Rajkot,તા.૨૯
Rajkotની આઝાદી પૂર્વેની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ સરકારી કોલેજના પ્રિન્સિપાલ પરેશકુમાર નવતમલાલ રાવલ સામે રાજ્ય શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નાણાકીય ગેરરીતિ સહિતના ગંભીર આક્ષેપોની લાંબી તપાસ બાદ તેમને સરકારી સેવામાંથી ‘રૂખસદ’ની શિક્ષા કરવામાં આવી છે.
રાજ્યપાલના હુકમથી કરવામાં આવેલી આ કાર્યવાહીના પગલે પરેશ રાવલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ રાજકોટની છસ્ઁ લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુદ્ધભટ્ટીને ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્યનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગની કાર્યવાહીનો સંબંધ પરેશ રાવલની અગાઉની ફરજ સાથે છે. તેઓ ૫ ઓગસ્ટ ૨૦૧૧થી ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન કચ્છની રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા ભુજની આર.આર. લાલન કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નિયમોના ભંગ, નાણાકીય પ્રક્રિયાઓનું પાલન ન કરવા અને સરકારી નાણાંના વ્યવહારમાં અનિયમિતતા સહિતના છ ગંભીર આરોપો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સત્તાનો દુરુપયોગ અને નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોના ભંગ અંગેના મુદ્દાઓ સામે આવ્યા હોવાનું શિક્ષણ વિભાગના આદેશમાં જણાવાયું છે.
મામલાનો સૌથી મહત્વનો મુદ્દો વર્ષ ૨૦૧૬માં મળેલી આરયુએસએ (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન)ની ૫૦ લાખની ગ્રાન્ટ સાથે જોડાયેલો છે. વિભાગીય તપાસ મુજબ, ખર્ચ માટે જરૂરી પ્રક્રિયા અનુસર્યા વિના વિવિધ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તેના આધારે ૨૫,૩૬,૭૭૨નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભુજ ખાતેની ફરજ દરમિયાન સરકારી હિસાબોમાં અનિયમિતતા અને મહત્વના દસ્તાવેજોના સંચાલનમાં બેદરકારી અંગે પણ તપાસમાં નોંધ લેવાઈ હતી.
તપાસમાં જણાવ્યા મુજબ, કોલેજ ના વહીવટી અને નાણાકીય રેકોર્ડ જાળવવામાં પણ ગંભીર ખામીઓ સામે આવી હતી. આમાં ડેડસ્ટોક રજિસ્ટર અને કેશબુક ન લખવી, પીએલએ વાઉચર્સ તથા અન્ય રેકોર્ડ ગુમ થવા અને પસ્તીના વેચાણમાંથી મળેલી રકમ સરકારી ચલણ મારફતે જમા ન કરાવવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ખરીદી અને અન્ય કામગીરીમાં સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગની ખરીદ નીતિ તથા સમયાંતરે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન થયું હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીજી ગેરરીતિ ગ્રાન્ડ એજ્યુકેશન ફેર સાથે જોડાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ૭૬ વિદ્યાર્થીઓ અને ૩ અધ્યાપકોને ભુજથી અમદાવાદ લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટેની એજન્સીના બિલ અને ટોલટેક્સ સ્લીપમાં દર્શાવાયેલા બસ નંબર વચ્ચે વિસંગતતા હોવા છતાં ચુકવણી કરવામાં આવી હતી. વિભાગીય તપાસમાં આ ચુકવણી પહેલાં જરૂરી ચકાસણી કરવામાં આવી ન હોવાનો મુદ્દો પણ નોંધાયો છે.
તપાસ દરમિયાન વધુ એક નાણાકીય અનિયમિતતા સામે આવી હતી. ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ના જીમ સંબંધિત બિલની રકમ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પીએલએ એકાઉન્ટમાંથી એક જ કામ અને એક જ પાર્ટીને બે વખત ચૂકવાઈ હોવાનો તપાસમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૪માં તિજોરી કચેરી દ્વારા અમાન્ય ઠેરવાયેલા એક ટીએ બિલને પણ બાદમાં નિયમો વિરુદ્ધ પીએલએ એકાઉન્ટમાંથી મંજૂર કરીને ચૂકવણી કરવામાં આવી હોવાનો આરોપ તપાસમાં નોંધાયો છે.

