(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫ઃ
જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસે દારૂના ચાર અલગ-અલગ બનાવમાં ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે. સીટી બી ડિવિઝન પોલીસે મધુરમ રેસિડેન્સી, રોનીત એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ પરથી ખોડીયાર કોલોનીના રમેશભાઈ ખીમાનંદભાઈ ગોજીયાને ઝડપી લીધો હતો. તેની પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં આશરે ૪૦૦ મિલીલીટર લાલ રંગનું ભારતીય બનાવટનું વિદેશી દારૂનું પીણું, કિંમત રૂ.૬૦૦, મળી આવ્યું હતું.
આ ઉપરાંત પુનીતનગર શેરી નં.૨, ખોડીયાર માતાજીના મંદિર સામે જાહેર રોડ પરથી રામવિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને શક્તિસિંહ નીરુભા ચાવડાને અંગ્રેજી દારૂના એક ચપલાં, કિંમત રૂ.૩૦૦, સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
લાલપુર પોલીસે હુશેની ચોક નજીક જાહેર રોડ પરથી રૂપાવટી કાંઠે રહેતા દિવ્યેશભાઈ આલાભાઈ ચોપડાને ઝડપી લીધો હતો. તેની પાસેથી રાજસ્થાનમાં વેચાણ માટે દર્શાવાયેલી ૧૮૦ મિલીલીટરની એક અંગ્રેજી દારૂની બોટલ, કિંમત રૂ.૨૦૦, મળી આવી હતી.
જ્યારે સીટી સી ડિવિઝન પોલીસે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર દેશી માલધારી હોટલ સામે મહાદેવના મંદિર નજીકથી તીરૂપતિપાર્કમાં રહેતા જયેશ અરવિંદભાઈ ગાગીયાને પકડી તેની પાસેથી માસ્ટર બ્લેન્ડર્સ સિગ્નેચર રેર એજ્ડ વ્હિસ્કીની બે બોટલ, કિંમત રૂ.૧,૯૭૮, કબજે કરી હતી.

