યુવાને મૂડીથી વધુની રકમ ચૂકવી દીધી છતાં ચેક રિટર્નનો કેસ કર્યો
Rajkot તા.૫ઃ
Rajkotના પુનિતનગર વિસ્તારમાં રહેતા મૂળ જેતપુરના સેલ્સમેનને માસિક ૧૦% વ્યાજે ૨૦ હજાર આપી વ્યાજખોરે રૂ. ૨૪ હજારની રકમ પડાવી હતી. વ્યાજંકવાદીએ વધુ વ્યાજ અને મુદ્દલ રકમની માંગણી કરી ખૂનની ધમકી આપી હતી. વધુમાં યુવાન પાસેથી સિક્યોરિટી પેટે પડવેલા ચેકમાં ૫૦ હજારની રકમ ભરી ચેક રિટર્નનો કેસ પણ કર્યો હતો. જેથી અંતે યુવાને વ્યાજખોર વનરાજ સીસોદીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
મૂળ જેતપુરના નવાગઢના વતની અને હાલ રાજકોટના પુનિતનગર વિસ્તારમાં વૃંદાવન-૫ માં રહેતા ભરતભાઈ વિનુભાઈ જોષીએ આરોપી તરીકે વનરાજ સીસોદીયા (રહે. જેતપુર)નું નામ આપી જણાવ્યું યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારા સેલ્સમેનના વ્યવસાયમાં મીટીંગોનું આયોજન કરવાનું હોય છે. જે મીટીંગોમાં જમણવાર કે નાસ્તો કરાવવાનો હોય મારે પણ આવી મીટીંગોનું આયોજન કરવાનું હોય જેથી મારે પૈસાની જરૂરત ઉભી થતા મે મારા પાડોશી ધર્મેશભાઇ બાવળીયાને આ અંગે વાત કરી હતી. તેણે મને કહેલ કે, વનરાજભાઇ સિસોદીયા વ્યાજનો ધંધો કરે છે, તેનો સંપર્ક કરો. વનરાજભાઈ સિસોદીયાની ઓફીસે જઈ રૂ. ૨૦ હજારની જરૂરિયાત હોવાનું જણાવતા વનરાજભાઇએ ૧૦% વ્યાજે નાણાં આપવાનું જણાવ્યુ હતું. મે હાં પાડતા તેણે પ્રથમ માસનું બે હજાર રૂપિયા વ્યાજ કપાત કરી મને રૂ. ૧૮ હજાર આપેલ હતા.
વનરાજએ મને કહેલ કે, ચાલુ મહિનાના વ્યાજના રૂ. ૨૦૦૦/- આપી દે. તો મેં કહેલ કે મારી પાસે હાલમાં રૂ.૨૦૦૦ નથી, હું તમને બે-ત્રણ દિવસમાં આપી દઇશ. વનરાજએ મને કહેલ કે, તારે રૂપિયા તો આજે જ આપવાના છે, નહિતર મારે તારા ઘરે ધક્કો થશે, એકવાર વ્યાજે રૂપિયા લીધા પછી જો તેનું વ્યાજ સમયસર તુ નહી આપે તો મને મારા રૂપિયા કઢાવતા આવડે છે, હું વ્યાજે રૂપિયા આપુ છું અને તે રૂપિયા અને તેનું વ્યાજ પણ મને કઢાવતા આવડે છે. વ્યાજના ધંધામાં કોઈનું ખૂન કરવાથી પણ હું પાછો પડતો નથી. તું મને પૈસા નહી આપે તો તારી સાથે પણ આવુ બની શકે છે અને હું તારા ઘરે પણ આવીશ તેવી ધમકી આપી વનરાજએ મારો બેન્ક ઓફ બરોડાના બેન્ક એકાઉન્ટનો સહી કરેલો ચેક પડાવી લીધેલ હતો. બાદ મે તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ વનરાજ સિસોદયાને ગુગલ પે મારફતે ૧૫૦૦ અને રોકડ ૫૦૦ આપેલ હતા. ત્યારબાદ નવેમ્બર-૨૦૨૫થી ઓગષ્ટ-૨૦૨૬ સુધીમાં દર મહિને વ્યાજના રૂ.૨૦૦૦ લેખે મેં ઓનલાઇન રૂ.૨૦ હજાર ચુકવેલ હતા. મે ૨૦ હજાર સામે ૨૪ હજાર ચુકવેલ હતા. તેમ છતાં વનરાજ મારી પાસે વ્યાજ અને મૂળ રકમની માંગણી કરે છે. દરમિયાન વનરાજે મારી પાસે પડાવેલ ચેકમાં રૂ. ૫૦ હજારની રકમ ભરી ચેક રિટર્નનો કેસ પણ કરેલ હતો. સમગ્ર મામલે અંતે યુવાને ફરીયાદ આપતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

