બે મહિના પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી રાજકુમાર મંડલે કમલેશ રામને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો’તો
Rajkot તા.૫ઃ
શાપર(વેં)માં તળાવ કાંઠેથી સપ્તાહ પૂર્વે મળી આવેલા મૃતદેહ મામલે મોટા ખુલાસા થયાં છે. પરપ્રાંતિય શ્રમિકના ગળાના ભાગે તિક્ષણ હથિયાર ફેરવી ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી દેવાયાની બ્લાઇન્ડ કેસમાં પોલીસને ફક્ત એક હત્યા બાદ પોતાના મિત્રને ’મૈને ઉસકો માર ડાલા’ તેવી કબૂલાત આપી હોય પોલીસે તે શખ્સને ઉઠાવી આગવી ઢબે પૂછપરછ કરતા હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો શાપરમાં રામદેવનગર મફતીયાપરામાં રહેતા અંજુકુમારી કમલેશકુમાર રામ (ઉ.વ.૩૪) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, મટન લેવા માટે જવાનું કહીને ઓરડીએથી બહાર ગયેલ હતા.તેણીના પતિ મોડી રાત્રી સુધી ઓરડીએ આવેલ નહી જેથી તે બાબતે આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ નહી. પતિની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતી હતી તે દરમ્યાન જાણવા મળેલ કે, રામદેવનગર તળાવના કાંઠા પાસે અવાવરૂ જગ્યામાં કોઇ વ્યકતીની લાશ પડેલ છે, જેથી તેણી ત્યાં જોવા જતા આ લાશ તેણીના પતિ કમલેશકુમારની હતી.
પતિના ગળાના ભાગે ઇજા થયેલ અને લોહી નીકળેલ હોય પોલીસ પતિની લાશને શાપર સીવીલ હોસ્પીટલ ખાતે લઇ ગયેલ અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે પી.એમ. અર્થે ખસેડેલ હતી. પતિનું મોત ધારદાર વસ્તુ ગળાના ભાગે મારવાના કારણે થયેલ ઇજાથી મોત થયાનું જણાવેલ હતું. શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર બી રાણાની ટીમ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતી. દરમિયાન હ્યુમન તથા ટેકનિકલ રિસોર્સના આધારે શાપર વેરાવળ પોલીસને હકીકત મળી હતી કે, મરણ જનાર કમલેશકુમાર ભીમાભાઇ રામને બે મહિના પૂર્વે કોઈ વ્યક્તિ સાથે માથાકૂટ થયેલ હતી.
જેથી તાત્કાલિક તે વ્યક્તિને શોધી કાઢી પોલીસ મથકે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલ શખ્સે કબુલાત આપી હતી કે, બે મહિના પૂર્વે તેને મૃતક સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી તા. ૨૮-૯-૨૬ ના રોજ રાત્રિના સમયે આરોપીએ મરણ જનરલ કમલેશ કુમારને શાપર વેરાવળના રામદેવ નગર વિસ્તારમાં આવેલ તળાવ પાસે મળતા આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે મૃતકના ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી દીધી હતી. જે કબુલાત તેમજ અન્ય પુરાવાના આધારે શાપર વેરાવળ પોલીસની ટીમે આરોપી રાજકુમાર રામ મંડલ (ઉવ ૩૦ હાલ રહે. રામદેવનગર, શાપર, રાજકોટ. મૂળ રહે, ભાગલપુર, બિહાર)ની ધરપકડ કરી હતી.
પોલીસને હકીકત મળી હતી કે, હત્યારાએ મૃતક સાથે સંકળાયેલી વ્યક્તિને હત્યાના દિવસે જ ફોન કરીને એવુ કહ્યું હતું કે, મૈં ઉસકો માર ડાલુંગા. ત્યારબાદ ખૂનને અંજામ આપી આરોપી પોતાના ઘરે પરત ચાલ્યો ગયો હતો. જમતી વેળાએ તેણે પોતાના મિત્રને કબૂલાત આપી હતી કે, મૈને ઉસકો માર ડાલા. જે મિત્રએ પોલીસને વિગતો આપતાં બ્લાઇન્ડ બનેલા કેસનો ભેદ ઉકેલાયો હતો.

