પંચકોશી-બીના પીએસઆઈ સહિત ૮ પોલીસકર્મી સસ્પેન્ડ
પીએસઆઈ એલ.બી. જાડેજા સહિત સાતની સુરેન્દ્રનગર અને એકની દેવભૂમિ દ્વારકા બદલી એસએમસીના દરોડામાં રૂ.૧.૩૭ કરોડનો મુદ્દામાલ જપ્ત થયો હતો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૭ઃ
જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વહેલી સવારે દરોડો પાડી મોટા પાયે ચાલી રહેલા વિદેશી દારૂના કટિંગનો પર્દાફાશ કરી રૂ.૧,૩૭,૫૮,૪૯૧નો મુદ્દામાલ કબજે કર્યા બાદ સ્થાનિક પોલીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પંચકોશી-બી પોલીસ મથકની હદમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા પીએસઆઈ સહિત કુલ ૮ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી જિલ્લાફેર બદલી કરવામાં આવી છે.
એસએમસીના દરોડા દરમિયાન રૂ.૩૭,૨૧,૮૪૮ની કિંમતની વિદેશી દારૂની ૧૦,૪૦૯ બોટલ મળી આવી હતી. ઉપરાંત બે ટ્રક, મોટરસાઇકલ સહિત કુલ પાંચ વાહનો કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.૧,૩૭,૫૮,૪૯૧ હોવાનું સામે આવ્યું છે.
દરોડા દરમિયાન પોલીસે દીપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી અને યુવરાજસિંહ કાળુભા ચૂડાસમાને ઝડપી લીધા હતા. જ્યારે રામકો, કાના મોઢવાડિયા, જીગો, ઈરફાન કાસમ સહિત કુલ નવ શખ્સોને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક પોલીસ સામે કાર્યવાહીઃનાઘેડીનો વિસ્તાર પંચકોશી-બી પોલીસ મથકની હદમાં આવતો હોવાથી જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પંચકોશી-બીના પીએસઆઈ એલ.બી. જાડેજા સહિત આઠ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં એએસઆઈ ધર્મેન્દ્રસિંહ (ધમભા) ઝાલા, પ્રદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ રાઠોડ, મેહુલભાઈ વિસાણી, પોલાભાઈ ઓડેદરા અને મુયુરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
સસ્પેન્શન સાથે જિલ્લાફેર બદલીનો પણ હુકમ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ ઝાલાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જ્યારે પીએસઆઈ એલ.બી. જાડેજા સહિતના બાકીના સાત પોલીસકર્મીઓની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસબેડામાં ખળભળાટઃનાઘેડી જીઆઈડીસીમાંથી વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ એસએમસીના દરોડામાં રૂ.૧.૩૭ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે, તો બીજી તરફ ઘટનાના પગલે એકસાથે આઠ પોલીસકર્મીઓ સામે સસ્પેન્શન અને જિલ્લાફેર બદલીની કાર્યવાહી થતાં જામનગર પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

