માસીયાઈ બહેનને ત્યાં જમવા ગયેલા મનીષ ઉર્ફે મનિયો રાઠોડ પર મહેશ સોલંકી, પુત્ર ટકો અને મામા કૃણાલ ઉર્ફે પબ્બોએ છરીના ઘા, તલવારનો ઉંધો ઘા માર્યો
Rajkot તા.૧૩ઃ
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ખૂન ખૂનની કોશિશ લૂંટ અને મારામારી જેવા બનાવો શેર બજારના સેન્સેક્સની જેમ ઉછાળો જોવા મળ્યો છે.જેમા સામું જોવા જેવી નજીવી બાબતે યુવાન પર પિતા-પુત્ર સહિત ત્રણ શખસોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી એક આરોપીને ઝડપી લીધો હતો જયારે બે આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. વધુ વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે યુવરાજનગર નજીક જીવરાજનગર મફતિયાપરામાં રહેતા મનીષ ઉર્ફે મનીયો મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુબલીયાપરામાં રહેતા મહેશ જીતુભાઈ સોલંકી તેનો પુત્ર ટકો અને તેના મામા કૃણાલ ઉર્ફે પબ્બો દેવીપુજકના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કુબલીયાપરામાં તેની માસીયાઇ બહેનના ઘરે જમવા ગયો હતો. દરમિયાન રાત્રીના ત્રણેક વાગ્યે આસપાસ તે તથા તેનો મિત્ર હસમુખ ઉર્ફે કાળુ મહેશભાઈ મકવાણા બંને અહીં કુબલીયાપરામાં ખોડીયાર માતાના મંદિરના ઓટા પર બેઠા હતા. દરમિયાન ટકો અને કૃણાલ ઉર્ફે પબ્બો બંને અહીંથી નીકળ્યા હતા અને યુવાને કહ્યું હતું કે, સામું કેમ જુઓ છો તેમ કહી બોરાચાલી કરવા લાગ્યો હતો. થોડીવાર બાદ મહેશ સોલંકી અને તેનો પુત્ર ટકો છરી સાથે તથા તેના મામા કૃણાલ ઉર્ફે પબ્બો તલવાર લઈને અહીં ધસી આવ્યો હતો. બાદમાં યુવાન પર આ ત્રણેય શખસોએ હુમલો કરી દીધો હતો જેમાં મહેશે યુવાને બાવળાના ભાગે છરીના જોરદાર ઘા ઝીંકી દીધા હતા તેમજ કૃણાલે યુવાનને તલવારનો ઊંધો ઘા મારી દીધો હતો. જ્યારે ટકાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
યુવાનનો મિત્ર હસમુખ છોડાવવા વચ્ચે પડતા તેને પણ આ શખસો માર મારવા લાગતા તે ભાગી ગયો હતો બાદમાં યુવાન પણ જેમ તેમ કરી અહીંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારજનોને જાણ કરતા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગંભીર ઇજા થવા સબબ યુવાનને ઓપરેશન કરાવવું પડ્યું હતું. બાદમાં યુવકે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ ડી.બી.કારેથા તથા ટીમે આરોપી મહેશ સોલંકીને ઝડપી લીધો હતો જયારે અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

