રાજકોટમાં ફૂડ સેફટી એકટનો આકરો અમલ કરવાની મંજૂરી રાજ્ય સરકાર પાસે માંગતી મહાપાલિકા
Rajkot, તા.૧૭ઃ
Rajkot મહાપાલિકાના આજે મળેલા જનરલ બોર્ડમાં ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવતી ભેળસેળ સામે વધુ કડક કાનુની પગલા લેવા ફૂડ સેફટી એકટ હેઠળ સજા અને દંડની જોગવાઇ વધુ કડક બનાવી અમલવારી કરવાના કાયદો અને નિયમન સમિતિની દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે.
આ ઠરાવ રાજય સરકારને મોકલવામાં આવશે અને સરકારની મંજૂરીથી નવા કાયદાનો જાહેરહિતમાં કડક અમલ ભવિષ્યમાં કરાવવામાં આવશે તેમ બોર્ડ અધ્યક્ષ મેયર ડો.નેહલ શુકલએ જાહેર કર્યુ હતું. આજની સભામાં કાયદા સમિતિ ચેરમેન જયરાજસિંહ જાડેજાએ પૂરી દરખાસ્ત રજૂ કરી હતી. હવે નવા કાયદા હેઠળ નાગરિકોને શુધ્ધ ખાદ્ય પદાર્થો મળે અને ભેળસેળ દુર થાય તે પ્રકારના પગલાનો ઇરાદો રજુ કરવામાં આવ્યો છે.
આ ઠરાવ મુજબ દુધ, દુધની બનાવટો, મસાલા, તેલ, ઘી, મીઠાઇ, નાસ્તા, કૃત્રિમ રંગો, ઠંડા પીણા, પેકડ ફૂડ કાચા માલ સહિતના કેસમાં માત્ર આર્થિક દંડ વસુલવાથી ભેળસેળ કરનારા પર પુરતી અસર થતી ન હોય, ધંધાના પ્રમાણમાં અનેક ગ્રાહકોની સંખ્યા જોતા દંડની રકમ નકકી કરવી જરૂરી છે. ભુલ અને આરોગ્ય સાથે ચેડા એક સરખી વાત નથી.આથી ફરીને ફરી ગુના કરનારાને બીજા કેસમાં વધુ દંડ, લાયસન્સ સ્થગિત અને રદ્દ, પેઢી સીલ કરવી, ત્રણ વખત ગુન્હો સાબિત થાય તો વેપારીના વ્યવસાય માટે કાયમી ધોરણે પ્રતિબંધ, ચોકકસ સમય માટે બાન, ગંભીર કિસ્સામાં ફોજદારી કાર્યવાહીની જોગવાઇ અનિવાર્ય છે. નફા સામે દંડ ઓછો હોય ત્યારે વેપારીઓને બહુ ચિંતા થતી નથી. કાયદામાં આવા અસુરક્ષીત ફૂડથી ઇજા અથવા મૃત્યુ થાય તેમાં સજાની જોગવાઇ છે. ફુડ પોઇઝનના કેસ નિવારવા જમણવારમાં ફૂડ લાયસન્સ ધારકને જ પરવાનગી આપવા અને વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરવાની જરૂર છે.
આવા કેસમાં જાહેર આરોગ્ય વિરૂધ્ધ ગંભીર ગુનો ગણવો જોઇએ. એકસપાયરી ડેટ, શાકાહારી અથવા માંસાહારી ફૂડની જાહેરાત, અનસ્ટેમ્પ્ડ મીટના વેંચાણમાં ૧૦ થી પ૦ હજારના દંડ, નોનવેજ ફૂડ વેંચનારાને સ્ટેમ્પ્ડ મીટના બીલના રેકોર્ડ રાખવા ફરજીયાત કરવામાં આવશે.
હોકર્સ ઝોન સહિતની આવી જગ્યાએ પણ ભેળસેળ બદલ ધંધા બંધ કરવાની સત્તા અધિકારીઓને મળશે. માત્ર છુટક ધંધાર્થી સામે કાર્યવાહીથી ભેળસેળના મુળ સુધી પહોંચવું મુશ્કેલ છે. ઉત્પાદક, વિતરક, આયાતકાર, સંગ્રહકર્તા અને વેચાણ કર્તાની સામે ૭ થી ૩૦ દિવસના સીલની કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળના ગુનામાં ફોજદારી કલમો ઉમેરવામાં આવે, ગંભીર ગુના ગણીને દંડ વધારવા, ફરીને ફરી આવો માલ વેચનારાના લાયસન્સ રદ્દ કરી ધંધા બંધ કરાવવા, દરેક નમુનાના રીપોર્ટ ૧૪ દિવસમાં મળે તે પ્રકારની માળખાકીય વ્યવસ્થા ઉભી કરવા, ફૂડમાં ભેળસેળ માટે ઓનલાઇન સહિતની ફરિયાદ નિકાલ, દોષિતોની માહિતી જાહેર કરવી, ફૂડ સેફટી ઓફિસરોને કોર્પો. હદમાં આવેલ કેન્દ્રીય તથા રાજય સરકારના તમામ એકમો, સાહસો, સેન્ટ્રલ લાયસન્સ વાળા સ્થળ પર ચેકીંગ સહિતની પરવાનગી રાજય સરકાર આપે તેવી માંગણી ઠરાવમાં કરવામાં આવી છે. આ રીતે ભેળસેળ સામેના કાયદામાં સુધારો કરી રાજય સરકાર મારફત કેન્દ્ર સરકારમાં પણ ભલામણ મોકલવા આજની સભામાં ઠરાવવામાં આવ્યું છે.

