Ahmedabad,તા.૩૦
Ahmedabadના રામોલ વિસ્તારમાં એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી કરોડોના ડ્રગ્સ બાદ હવે ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. ઓનલાઈન ગેમ્સની ઘાતક લત માનવીને કયા સ્તરે ધકેલી દે છે, તેનું વધુ એક કરૂણ ઉદાહરણ અમદાવાદમાંથી સામે આવ્યું છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રામોલ પોલીસે હાથ ધરેલી નાર્કોટિક્સ વિરોધી ડ્રાઈવ દરમિયાન એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી ૧૬ કિલોથી વધુના ગાંજા સાથે એક યુવકને ઝડપી લીધો છે. ઓનલાઈન ગેઈમમાં થયેલું ૬ લાખનું દેણું ચૂકવવા માટે આ યુવક ગાંજાની હેરાફેરી કરવા લાગ્યો હતો.
Ahmedabad શહેરમાં તહેવારો ટાણે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને નાર્કોટિક્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રામોલ પોલીસને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ખાનગી બસમાં મુસાફરી કરીને ગાંજાનો મસમોટો જથ્થો હેરાફેરી કરતા એક શખ્સને દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આ યુવકની આ પહેલી જ ખબર હતી કે એ ગાંજો લેવા જઈ રહ્યો છે અને તે માત્ર ૨૫ હજાર રૂપિયાના કમિશન માટે આ કાળાકામમાં ફસાયો હતો. દિવાળીના તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નાર્કોટિક્સ વિરોધી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
આ જ ઓપરેશન ના ભાગરૂપે રામોલ પોલીસ સ્ટેશનની ટીમ એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક ખાનગી બસને તપાસવા માં આવી હતી જેમાં શંકાસ્પદ હાલતમાં બે બેગ જણાઈ આવી હતી અને આ બેગ એક શખ્સની અટકાયત કરીને તેની ટ્રોલી બેગ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ભાવિક ધનજીભાઈ કાનજીભાઈ મોરડિયા અને જે મૂળ મોરબીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. રામોલ પોલીસે તેની પાસેથી વગર પાસ-પરમીટ અને ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતો ૧૬ કિલો ૧૩૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જપ્ત કરાયેલા આ ગાંજાની અંદાજીત બજાર કિંમત ૮,૦૬,૫૦૦ થાય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ અને ટ્રોલી બેગ મળીને પોલીસે કુલ ૮,૧૭,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો અને આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.
રામોલ પોલીસની પ્રાથમિક અને ઊંડાણપૂર્વક થયેલી પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. પકડાયેલા આરોપી ભાવિન મોરડિયાને ઓનલાઈન ગેમ રમવાની ઘાતકી લત લાગી હતી. આ ઓનલાઈન ગેઈમમાં તે અંદાજે ૬ લાખ રૂપિયા હારી ગયો હતો જેના કારણે તેના પર મોટું દેણું થઈ ગયું હતું. આ દેણું ચૂકવવા માટે તેના મિત્ર પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફરએ તેને ગાંજાની હેરાફેરી કરવા માટે સલાહ આપી હતી. ભાવિન માટે આ પહેલી જ હેરાફેરી હતી અને આ કામ બદલ તેને માત્ર ૨૫ હજાર રૂપિયા મળવાના હતા, જેથી તે પોતાનું દેણું ચૂકવી શકે. પૂછપરછમાં એવું પણ ખૂલ્યું કે આ ગાંજો ઓરિસ્સાના બાલાંગીર શહેરના રહેવાસી અશ્વિની બેગ નામના શખ્સ પાસેથી પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફર કહેવાથી લાવવામાં આવ્યો હતો અને મોરબીના પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફરને પહોંચાડવાનો હતો.
રામોલ પોલીસની તપાસમાં આ કેસમાં ડ્રગ્સ અને ગાંજા માફિયાઓની વધુ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પોલીસની નજરથી બચવા અને ટ્રેસ ન થવા માટે આ લોકો ટ્રેન કે કારને બદલે બસમાં મુસાફરી કરીને ગાંજાની હેરાફેરી કરતા હતા. રામોલ પોલીસે આ માનેલા ગુનામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ગાંજો મોકલનાર ઓડિશાના અશ્વિની બેગ અને મોરબીના પંકજ ફેફરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઓનલાઈન ગેમ્સ અને શોર્ટ કટ મનીની લાલચ યુવાધનને કઈ રીતે બરબાદ કરી રહી છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. રામોલ પોલીસે સમયસર કાર્યવાહી કરીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને સંડોવાયેલા અન્ય વોન્ટેડ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

