ચેકની રૂ. ૧૦ લાખની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા કોર્ટનો હુકમ; દંડ નહીં ભરે તો વધુ ત્રણ માસની કેદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦ઃ
Jamnagar શહેરમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સના કેસમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળની અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ચેકની સંપૂર્ણ રૂ. ૧૦ લાખની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા તથા દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસની કેદ ભોગવવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, જામનગરનાં રહેવાસી ગાયત્રીબેન અરવિંદભાઈએ પોતાના ઓળખીતા મહાવીર જનરલ સ્ટોરના સંચાલક ભાવેશ પ્રવીણચંદ્ર મહેતાને ધંધાકીય જરૂરિયાત માટે ઓળખીતા સંબંધના આધારે રૂ. ૧૦ લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત ચૂકવવા માટે ભાવેશ મહેતાએ ગાયત્રીબેનને ચેક આપ્યો હતો.ફરિયાદી ગાયત્રીબેને નિયત સમયે ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવતા ખાતામાં અપૂરતું ભંડોળ હોવાના કારણે ચેક પરત ફર્યો હતો. આ અંગે આરોપીને કાયદેસરની નોટિસ પાઠવવા છતાં ચેકની રકમ પરત ચૂકવવામાં આવી નહોતી. પરિણામે ગાયત્રીબેને ભાવેશ પ્રવીણચંદ્ર મહેતા વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદ) દલીલો, રેકર્ડ પર રજૂ થયેલા પુરાવા તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈને અદાલતે આરોપી ભાવેશ પ્રવીણચંદ્ર મહેતાને તકસીરવાન ઠરાવ્યો હતો.
અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારવાની સાથે ચેકની રૂ. ૧૦ લાખની રકમ દંડ પેટે ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જો આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રવિ એચ. સોલંકી તથા મેહુલ જી. સૌદરવાએ રજૂઆત કરી હતી.

