Mumbai, તા.૫
ફિલ્મ અભિનેતા તુષાર કપૂર અને આયુષમાન ખુરાના સહિત અનેક સેલિબ્રિટીને લૉરેન્સ બિર્શ્નોઈ ગૅન્ગને નામે કથિત ધમકી આપવા પ્રકરણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બેંગલુરુના આઈટી એન્જિનિયરને પકડી પાડ્યો હતો. બિર્શ્નોઈ ગૅન્ગ દ્વારા બોલિવૂડની હસ્તીઓ પર કરવામાં આવી રહેલા હુમલાનો ફાયદો ઉઠાવવા આરોપીએ ખંડણી માટે ધમકીભર્યા ઓડિયો વૉઈસ નોટ મોકલાવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.એન્ટિ-એક્સ્ટોર્શન સેલ (એઈસી)ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ વૈભવ મિશ્રા (૩૦) તરીકે થઈ હતી. બોલિવૂડના ઍક્ટર તુષાર કપૂરને તાજેતરમાં પાંચ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ટેન્કિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીને ઓળખી કઢાયો હતો. આરોપીએ તુષાર કપૂર બાદ આયુષમાન ખુરાના અને અન્ય સેલિબ્રિટીને ખંડણી માટે ધમકી આપી હોવાનું જણાયું હતું. આરોપી બેંગલુરુમાં હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. તાબામાં લેવાયેલા આરોપીને પોલીસની ટીમ મુંબઈ લાવી રહી છે. પ્રાથમિક તપાસમાં બિર્શ્નોઈ ગૅન્ગ સાથે તેની સાઠગાંઠ હોવાના કોઈ પુરાવા મળ્યા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.તુષાર કપૂરની ટીમને ગયા સપ્તાહે વૉઈસ નોટ મળી હતી, જેમાં પાંચ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકી આપવામાં આવી હતી. વૉઈસ નોટમાં ધમકી આપનારાએ પોતાની ઓળખ બિર્શ્નોઈ ગૅન્ગના હૅરી બૉક્સર તરીકે આપી હતી. જોકે પોલીસે તેમના રેકોર્ડમાંના બૉક્સરના અવાજના નમૂના સાથે વૉઈસ નોટનો અવાજ મેળ ખાતો ન હોવાનું જણાવ્યું હતું.એ જ રીતે આરોપીએ આયુષમાન ખુરાનાને પણ બિર્શ્નોઈ ગૅન્ગને નામે ધમકી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસનું માનવું છે કે હાલમાં બિર્શ્નોઈ ગૅન્ગ ચર્ચામાં હોવાથી તેનો ફાયદો ઉઠાવવા આરોપીએ આવું કર્યું હતું. જોકે તેનો ઉદ્દેશ હજુ સ્પષ્ટ ન હોવાનું પોલીસનું કહેવું છે.

