Mumbai, તા.૫
ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે શુક્રવારે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ‘ઔરા ટૂર’ના ભારત પ્રવાસની શરૂઆત કરી હતી. હાઉસફુલ કોન્સર્ટમાં પોતાના હિટ ગીતો રજૂ કરવાની સાથે તેણે ચાહકો સાથે ખાસ પળો પણ માણી હતી. આ દરમિયાન સ્ટેજ પર આવેલાં સીઆરપીએફના એક મહિલા અધિકારી સાથેની તેની મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોન્સર્ટ દરમિયાન મહિલા અધિકારી સ્ટેજ પર પહોંચતાં દિલજીતે પર્ફોર્મન્સ અટકાવી તેમની સાથે વાતચીત કરી હતી. તેણે અધિકારીને ભેટીને કહ્યું, “તમે મને મારી માતાની યાદ અપાવો છો. આજે કોન્સર્ટ પહેલાં મારી માતાનો ફોન આવ્યો હતો. તેઓ મને સંભાળ રાખવાનું કહી રહ્યાં હતાં. મેં તેમને ચિંતા ન કરવા કહ્યું હતું. પરંતુ હવે તમને જોઈને એવું લાગે છે કે જાણે મારી પોતાની માતા મારી બાજુમાં ઊભી છે.”દિલજીતે મહિલા અધિકારીને નાનકડી ભેટ પણ આપી હતી અને સ્ટેજ પરથી સલામી આપીને તેમનું સન્માન કર્યું હતું. તેણે પ્રેક્ષકોને અધિકારી માટે તાળીઓ પાડવા અપીલ કરતાં કહ્યું હતું કે, “તમે અહીં ન હો તો અમને સુરક્ષિત હોવાનો અહેસાસ ન થાય. તમે અમારા માટે ઘણું કરો છો. ખૂબ ખૂબ આભાર.” આ પ્રસંગનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. સાથે જ દિલ્હી પોલીસ, સીઆરપીએફ અને અન્ય વ્યવસ્થાપક ટીમનો આભાર માન્યો હતો.કોન્સર્ટ બાદ દિલજીતે દિલ્હીવાસી ચાહકોનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું કે કાર્યક્રમના આયોજનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પરંતુ તે વિશે વધુ વાત કરવા માગતા નથી. વરસાદ પડ્યો હોવા છતાં તેણે કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. દિલજીતે જણાવ્યું કે તેમણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે કાર્યક્રમના ત્રણ-ચાર કલાક દરમિયાન વરસાદ અટકી જાય, જેથી ચાહકોનો ઉત્સાહ જળવાઈ રહે.

