Ahmedabad, તા.20
ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે આશરે 5ઃ30 વાગ્યાના અરસામાં ધોરાજીથી સુરત લગ્નપ્રસંગમાં જઈ રહેલી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત થતા 2 મુસાફરના કણ મોત નિપજ્યા હતા અને 30 જેટલા મુસાફરોને ઇજા થઇ હતી.
અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી.
અકસ્માતમાં કેટલાક મુસાફરોને સામાન્ય તો કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતા જ સ્થાનિકો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
દેરોલ નજીક એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ ટેન્કર સાથે અથડાતાં આ ગમખ્વાર ઘટનામાં બે મુસાફરોના મોત થયા હતા.
અકસ્માતનાં પગલે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહત કામગીરી સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અકસ્માત કેવી રીતે સર્જાયો અને બસ તથા ટેન્કર વચ્ચે ટક્કર થવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જોકે, મૃતકોની ઓળખ, ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અને અકસ્માતના કારણ અંગે સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોની ટક્કરથી પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. જેમાં બસનો તો આગળનો હિસ્સો કચ્ચરઘાણ થયો હતો. ઘાયલોમાં ડ્રાઈવર પણ સામેલ છે. આ તમામ લોકો લગ્ન કાર્યક્રમ માટે ધોરાજીથી સુરત જઇ રહ્યા હતા ત્યારે ભચના દેરોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.

