Bhavnagar,તા.૧૨
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ વિભાગ દ્વારા છઠ્ઠો નેશનલ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાવનગર મહાનગર પાલિકા એવોર્ડ મેળવવામાં સફળ રહી છે. ભાવનગર મહાનગરપાલિકા છઠ્ઠા નેશનલ એવોર્ડમાં બીજો ક્રમાંક દેશ કક્ષાએ પ્રાપ્ત કર્યો છે, તે સ્થાનિક ભાવનગરવાસીઓ માટે અને મહાનગરપાલિકાના શાસકો માટે ગૌરવપૂર્ણ છે. જો કે આગામી દિવસોમા એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવશે. પરંતુ એવોર્ડ શા માટે મળ્યો તે પણ જાણીએ.
ભારત સરકાર દ્વારા દર વર્ષે છઠ્ઠો નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ બેસ્ટ યુએલબી એટલે કે અર્બન લોકલ બોડી મહાનગરપાલિકામાં થયેલા કામોને પગલે આપવામાં આવતો હોય છે. ભાવનગર મહાનગરપાલિકામાં મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ દ્વારા મોકલાયેલી ગત જૂન-૨૦૨૫માં ટીમે મેળવેલા પેરામીટર્સ મેળવીને વિઝીટ કરીને સર્વે કર્યો હતો. જો કે મહાનગરપાલિકા દ્વારા નોમિનેશન પણ નોંધાવવામાં આવ્યું હતું. છઠ્ઠા નેશનલ એવોર્ડ જાહેર થતા સમગ્ર ભારતમાં ભાવનગર મહાનગરપાલિકાના બીજો ક્રમાંક મળવા પાત્ર થયો છે, જે સમગ્ર ગુજરાતમાં એક માત્ર ભાવનગર મહાનગરપાલિકા એવોર્ડ પ્રાપ્ત કરનાર છે.
ભાવનગર મહાનગરપાલિકાના જે એવોર્ડ આપવામાં આવ્યો છે, તેમાં મુખ્ય મુદ્દાઓ છે જેમકે પાણી વિતરણ વ્યવસ્થા, પાણી વિતરણ માટેની ઉપલબ્ધ અને પ્રગતિ હેઠળની સુવિધા, જળસંચય અને જળ સંરક્ષણ, પાણીની ગુણવત્તામાં સુધારો, રિસાયક્લિંગ અને રીયૂઝ ઓફ વેસ્ટવોટર, સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ, સંસાધનનો મહત્તમ ઉપયોગ અને તેના થકી આઉટપુટમાં વધારો, ગત વર્ષની સરખામણીએ વિવિધ સુધારા મેળવવા અને સિદ્ધિ હાંસલ કરી, લોકજાગૃતિ અને જનભાગીદારીના પ્રયાસ જેવા મુદ્દાઓમાં મહાનગરપાલિકાએ કાર્ય કર્યા હતા.
ભાવનગર મહાનગરપાલિકાને છઠ્ઠો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણે ઘણી પાણીની લાઈનો નાખી છે. સ્ટોરેજ વધાર્યા છે, નેટવર્ક બદલાવ્યા છે તેમજ સૌથી મોટી વાત કે અઠવાડિયામાં એક પણ દિવસ કાપ વગર સાત દિવસ સુધી મહાનગરપાલિકા પાણી આપી રહી છે. આ સાથે આસપાસના વિસ્તારના નવા ભળેલા ગામોના તરસમિયા તળાવ,જાળીયા તળાવ, રૂવા તળાવ વગેરે જેવા અનેક તળાવોને આપણે ડેવલોપ કર્યા છે જેનું ફળ મહાનગરપાલિકા નહીં પરંતુ સમગ્ર ભાવેણાવાસીઓને પ્રાપ્ત થયું છે.

