Bhavnagar, તા.૧૪
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે બે મહિના પૂર્વે થયેલી સામાન્ય બોલાચાલીની દાઝ રાખીને ત્રણ શખ્સોએ ભરબપોરે ૨૫ વર્ષીય યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. લોહીયાળ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘોઘા પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા પિતા-પુત્ર સહિત ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. હુમલાખોરો મળતી વિગતો મુજબ, ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ તેમજ એસી ફિટિંગનું કામ કરતો મોઇનભાઈ મોમીનભાઈ શેખ (ઉં.વ. ૨૫) બપોરના આશરે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસ સ્થાનિક અસરફશા દરગાહ પાસે પોતાના મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન, બે મહિના પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખીને એ જ વિસ્તારના ત્રણ શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ મોઇનભાઈ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને જોતજોતામાં આવેશમાં આવી છરીના આડેધડ ઘા છાતી તેમજ હાથના ભાગે ઝીંકી દીધા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા મોઇનભાઈને તાત્કાલિક સ્થાનિક ઘોઘા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જોકે તેમની હાલત અત્યંત નાજુક જણાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ યુવકનું કરુણ મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
હત્યાની ઘટનાને પગલે ઘોઘા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી નાકાબંધી કરી હતી. પોલીસે મ્દ્ગજી એક્ટ ૧૦૩(૧), ૫૪ તેમજ જી.પી. એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તમામ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં અસ્લમ મહેબૂબભાઈ શેખ (રહે. કસ્બાતીવાડ, ઘોઘા) જુલીયન મેકવાન (રહે. ખ્રિસ્તીવાડા, ઘોઘા) સંજય ઉર્ફે લાલો રમેશભાઈ મેકવાન (આરોપી જુલીયનનો પિતા, રહે. ખ્રિસ્તીવાડા, ઘોઘા) પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કરવા તેમજ ઘટના પાછળના વધુ તથ્યો મેળવવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

