London,તા.3
જોરદાર ગરમી પડી રહી છે ત્યારે ઠંડાં પીણાંની બોલબાલા વધી ગઈ છે. જોકે કોઈ પણ પીણું ઠંડું બનાવવું હોય તો કાં તો બરફની જરૂર પડે કાં ફ્રિજની. જોકે બ્રિટિશ બારટેન્ડર જેમ્સ વાઝે એવું કૂલ કેન બનાવ્યું છે જે એમ જ એમાં ભરેલા પીણાને ઠંડું કરી દઈ શકે છે.
તેની આ નવી ટેક્નોલોજીની જ્યારથી ઘોષણા કરી છે ત્યારથી કોકો-કોલા, રેડબુલ અને એના જેવાં એનર્જી ડ્રિન્કની કંપનીઓએ એમાં રસ બતાવ્યો છે. બહારથી આ કેન સાધારણ 500 મિલીલીટરના ડ્રિન્ક જેવું જ છે, પણ એમાં 350 મિલીલીટર જેટલું જ પીણું સ્ટોર થાય છે, કેમ કે અંદર ઇન્સ્યુલેશન માટેની કેવિટી પણ છે.
સાથે જ કેનના બેઝમાં એક સ્માર્ટ ટેક્નોલોજી છુપાયેલી છે. એક નાનકડું વોટર રેઝર્વોયર છે એમાં ખાસ નમકવાળું પાણી રાખવામાં આવે છે. જેવું બટન દબાવો કે તરત એ પાણી નમક સાથે મળીને કેમિકલ રીઍક્શન કરે છે અને કેનની અંદરનું પીણું ઠંડું થવા માંડે છે.
જ્યારે પણ તમે કોઈ પીણું લઈને બહાર જાઓ ત્યારે એ થોડી જ વારમાં ગરમ થઈ જાય છે. ગરમીની સીઝનમાં આઉટડોર ઍક્ટિવિટી વખતે ઠંડું પીણું મેળવવું બહુ અઘરું થઈ જાય છે એટલે જેમ્સને થયું કે આપણે સ્પેસમાં રોકેટ છોડી શકીએ એટલી ટેક્નોલોજી ધરાવીએ છીએ, પણ બેગમાં રાખેલા પીણાનું ટેમ્પરેચર ઠંડું નથી રાખી શકતા. એવું કેમ?
તેણે પીણાંને ઠંડું રાખવાના વિજ્ઞાન પર કામ કરવાનું શરૂ કર્યું અને બે વર્ષની મહેનતે એનું પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે.લિંડનમાં એને ટેસ્ટિંગ માટે રજૂ કરવામાં આવ્યું છે. જેમ્સનું કહેવું છે કે સેલ્ફ-ચિલિંગ કેનથી રેફ્રિજરેટરમાં વપરાતી એનર્જીનો બચાવ થઈ શકશે.