(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
Jamnagar શહેર અને જિલ્લામાં દારૂના વેપાર સામે પોલીસે સઘન ઝુંબેશ ચલાવી અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી વિદેશી તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા આરોપી ફરાર થઈ ગઈ હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે.સીટી બી. ડિવિઝન પોલીસે વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં દરોડો પાડી ક્રિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.વ. ૨૨), રહે. શાંતિનગર, મચ્છરનગરને ભારતીય બનાવટના વિદેશી દારૂના ૭૦ ચપલા કિંમત રૂ. ૨૧,૦૦૦ સાથે ઝડપી પાડ્યો હતો.
આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે જ નાગનાથ ગેઇટ રોડ સ્મશાન પાસે દરોડો પાડી ગૌતમ ઉર્ફે ગટ્ટી રમેશભાઈ પરમાર (ઉ.વ. ૨૧), રહે. નાગેશ્વર કોલોની, જામનગર પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૨ બોટલ અને ૪૦ ચપલા મળી કુલ રૂ. ૧૫,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.બીજી તરફ સીટી સી ડિવિઝન પોલીસે જાગૃતિનગર, નીલકમલ સોસાયટી પાછળ આવેલા ઝૂંપડામાં દરોડો પાડતા ભગવતીબેન પ્રકાશભાઈ ડાભી નામની મહિલા આરોપી સ્થળ પરથી ફરાર મળી આવી હતી. પોલીસને ત્યાંથી ૧૫ લિટર દેશી દારૂ કિંમત રૂ. ૩,૦૦૦, દેશી દારૂ બનાવવા માટેનો ૯૦ લિટર આથો કિંમત રૂ. ૨,૨૫૦ તેમજ ભઠ્ઠીના સાધનો કિંમત રૂ. ૧૫૦ મળી કુલ રૂ. ૫,૪૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી ફરાર મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

