(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
Jamnagar તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં ફરી એકવાર દીપડાના આંટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાએ ગામની સીમમાં એક કૂતરાનું મારણ કરતાં વનવિભાગે દીપડાને પકડવા માટે ફરી એક વખત પાંજરું ગોઠવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
માહિતી મુજબ, પખવાડિયા પહેલાં નવી મોખાણા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો. વનવિભાગની તપાસ દરમિયાન દીપડાના પગલાં અને અન્ય નિશાન મળતાં બે સ્થળે મારણ મૂકી પાંજરાં ગોઠવવામાં આવ્યા હતા. જોકે દીપડો પાંજરા સુધી આવ્યો હોવા છતાં ટ્રેપને નુકસાન પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યો હતો.ત્યારબાદ થોડા દિવસ સુધી દીપડો નજરે ન ચડતાં પાંજરાં હટાવી લેવામાં આવ્યા હતા. દરમિયાન ખીમલીયા ગામમાં પણ દીપડો જોવા મળ્યાની માહિતી મળતા વનવિભાગે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું,
પરંતુ કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નહોતા.હવે ફરી નવા મોખાણા ગામની સીમમાં દીપડાએ એક કૂતરાનું મારણ કરતાં તેની હાજરીની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં ફરી ચિંતા વ્યાપી છે. વનવિભાગે મારણ થયેલી જગ્યાએ ફરી પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટે કામગીરી શરૂ કરી છે.વનવિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેતી રાખવા, એકલા બહાર ન નીકળવા, પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા તેમજ દીપડો દેખાય તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવાની અપીલ કરી છે. હાલમાં વનવિભાગની ટીમ સતત વિસ્તારમાં નજર રાખી રહી છે.

