New Delhi, તા. 6
પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની કાનૂની અને આર્થિક મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ચેક બાઉન્સ અને બેંક લોન ભરપાઈ ન કરવાનાં કેસમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુરમાં આવેલી તેમની બે મોટી મિલકતોની હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે બેંક અધિકારીઓએ સ્થળ પર પહોંચીને હરાજી અંગેની નોટિસ ચોંટાડી દીધી છે. આ બંને મિલકતોની ઓનલાઈન હરાજી આગામી 9 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે.
બેંકના રેકોર્ડ મુજબ રાજપાલ યાદવ પર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈનો કુલ રૂ. 16 કરોડ 61 લાખ 64 હજારનું દેવું બાકી નીકળે છે. આ બાકી લેણાંની વસૂલાત માટે બેંકે ગીરવે મુકેલી મિલકતોનો કબજો મેળવીને હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે.
શાહજહાંપુરમાં આવેલી આ બે મિલકતો પૈકી એક શહેરમાં સ્થિત મિલકત છે અને બીજી ગામડામાં આવેલું ખેતર તેમજ મકાન છે. બેંકે આ બંને મિલકતોની અંદાજિત કિંમત રૂ. 3 કરોડ 19 લાખ 26 હજાર નક્કી કરી છે.
અહેવાલો અનુસાર, રાજપાલ યાદવે પોતાની નિર્માણ હેઠળની ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે આ લોન લીધી હતી. આ લોન માટે તેમણે પોતાની પત્ની રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની મિલકતોને ગેરંટર તરીકે ગીરવે મૂકી હતી.
આથી બેંકે નિયમાનુસાર આ મિલકતો સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત શાહજહાંપુર સિવાય મુંબઈ સ્થિત તેમની અન્ય મિલકતોની હરાજી માટે પણ પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું જાણવા મળ્યું છે. રાજપાલ યાદવ અગાઉ પણ ચેક બાઉન્સના કેસમાં દિલ્હીની તિહાર જેલમાં સજા ભોગવી ચૂક્યા છે.

