Ahmedabad,તા.૨૫
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને દેશની યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીત ગણાવી છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે પેપર લીક મુદ્દે દેશભરના યુવાનો લાંબા સમયથી પોતાના હકો માટે અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓના સતત વિરોધ બાદ સરકારને નિર્ણય લેવા મજબૂર થવું પડ્યું.
અમિત ચાવડાએ કહ્યું કે જ્યારે જનતા અને યુવાનો એક થઈને લોકશાહી ઢબે સંઘર્ષ કરે છે, ત્યારે કોઈપણ સરકારને લોકોની લાગણીઓનો આદર કરવો પડે છે. તેમણે આ ઘટનાને લોકશાહીની તાકાતનું ઉદાહરણ ગણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ દર્શાવે છે કે લોકશાહી વ્યવસ્થામાં જનતાનો અવાજ સર્વોપરી છે. તેમના મતે, લોકશાહી દેશમાં લોકોની માંગ અને યુવાનોની શક્તિને અવગણી શકાય નહીં.

