ડ્રગ્સ માફિયાની નવી મોડસ ઓપરેન્ડીઃ સ્થાનિક કુરિયર સર્વિસનો દુરુપયોગ કરી કફ સિરપની હેરાફેરી કરવાનો સિલસિલો
Ahmedabad, તા.૩૦
શહેર પોલીસ એકતરફ નશાના કાળા કારોબાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવીને માફિયાઓ વિરુદ્ધ જડબેસલાક કાર્યવાહી કરી રહી છે. નાની માત્રામાં વેચાતા ગાંજા, MD ડ્રગ્સ તથા નશાયુક્ત ‘કોરેક્સ’ કે અન્ય સિરપની હેરાફેરી કરનારા તત્ત્વોને ડામવા પોલીસ સક્રિય બની ગઈ છે. જોકે, પોલીસની આકરી કડકાઈથી બચવા હવે ડ્રગ્સ માફિયાઓએ પણ પોલીસને થાપ આપવા નીતનવી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી અપનાવવાનું શરૂ કર્યું છે.
નશાનો કાળો કારોબાર ચલાવનારા માફિયાઓ વિરુદ્ધ ગુજરાત પોલીસે ઝુંબેશ ચલાવી છે ત્યારે હવે નશાનો કાળો કારોબાર ચલાવનાર તત્ત્વો પણ પોલીસથી બચવા નીતનવા રસ્તા અપનાવ્યા છે. માલસામાનની હેરાફેરી કરતી કુરિયર કંપની, જે શહેરમાં અને આસપાસના વિસ્તારમાં ગણતરીના કલાકોમાં જ ચીજવસ્તુઓ પહોચાડે છે તેનો ઉપયોગ હવે ડ્રગ્સ માફિયાઓ નશાયુકત ચીવસ્તુઓની આપ-લે કરવા માટે કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. તાજેતરમાં જ નારોલ પોલીસે CADIFOS-T બ્રાંડની કફ ૧૭૯૮ કફ સીરપની બોટલ તથા ફોરવ્હીલર સાથે બે આરોપીની ધરપકડ કરી હતી.
બાદમાં ઝડપાયેલા બંને આરોપીની તપાસમાં ચોકાવનારી હકીકત ખુલી હતી કે આટલી મોટી માત્ર કફ સીરપની બોટલોની ડિલિવરી પોર્ટર મારફતે મગાવી હતી! શહેરમાં કાર્યરત આવી લોકલ ડિલિવરી એપ્સ અને કુરિયર કંપનીઓ સામાન્ય રીતે ગ્રાહકોને ઝડપી સેવા આપે છે. આ બાબતનો ગેરફાયદો ઉઠાવીને ડ્રગ્સ માફિયાઓ પોલીસથી બચવા પાર્સલ કે લોકલ ટ્રાન્સપોર્ટનો સહારા લઈ રહ્યા છે. કુરિયર બોય કે ડ્રાઇવરને પાર્સલની અંદર શું છે તેની જાણ હોતી નથી, જેનો સીધો ફાયદો આ તત્ત્વો ઉઠાવે છે. આ ઘટના બાદ હવે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને આવી કુરિયર તથા ટ્રાન્સપોર્ટ કંપનીઓ પર પણ વોચ ગોઠવવામાં આવી રહી છે.નારોલ પોલીસ સ્ટેશનના NDPSના એક કેસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
શહેરમાં ગણતરીની મિનિટો કે કલાકોમાં જ ગ્રાહક સુધી સામાન પહોંચાડતી લોકલ કુરિયર સર્વિસ અને ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન્સનો ઉપયોગ હવે નશાના સોદાગરો માલની આપ-લે કરવા માટે કરી રહ્યા છે.પાર્સલ ચેકિંગના અભાવે લોકલ લેવલે ડિલિવરી કરતા રાઇડર્સ કે ટ્રાન્સપોર્ટરો પાર્સલની અંદરનો સામાન ચેક કરતા નથી. ઝડપી ડિલિવરી અને ગણતરીની મિનિટોમાં સામાન એક છેડેથી બીજા છેડે પહોંચી જતો હોવાથી પાર્સલમાં રહેલી ચીજવસ્તુ ગેરકાયદે છે કે નહીં તે તપાસી શકાતી નથી. ઘણીવાર બોગસ નામ અને સરનામાનો ઉપયોગ કરીને બુકિંગ કરવામાં આવતું હોવાથી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવું મુશ્કેલ બને છે.

