પોલીસે મૃતક અંશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
Ahmedabad, તા.૩૦
શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિશુક્ર સોસાયટીમાં સમી સાંજે કરુણ બનાવ બન્યો હતો. સગીર વિદ્યાર્થી લિફ્ટમાં ઘરે જતો હતો ત્યારે અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ હતી. બહાર નીકળવા જતાં સગીર લિફ્ટમાં ફસાઈ જવાના લીધે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ગંભીર બનાવના પગલે રહીશોએ પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે લિફ્ટનું મેઇન્ટેનન્સ સમયસર કરવામાં આવતું નથી અને આ અંગે બિલ્ડરને અનેક વખત જણાવ્યું છે, છતાં પણ બિલ્ડર તરફથી કોઈ તકેદારીના પગલાં લેવાયા નથી.
હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સગીરનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.નારોલની શાંતિશુક્ર સોસાયટીમાં પરિવાર સાથે રહેતો ૧૪ વર્ષીય સગીર શાળાએથી ઘરે આવ્યો અને લિફ્ટમાં બેસીને ઉપર જતો હતો. આ દરમિયાન લિફ્ટ એકાએક બંધ થઈ જતાં સગીરે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જ લિફ્ટ શરૂ થઈ ગઈ અને અંશુનું ગળું લિફ્ટમાં આવી જતાં મોત નીપજ્યું હતું. લિફ્ટ અને દરવાજાના લોખંડના સળિયા વચ્ચે અંશુનું માથું ફસાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.ઘટના અંગેની જાણ ફ્લેટના રહીશોને થતાં અંશુના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, જેથી તેઓ પણ દોડી આવ્યા હતા અને દીકરાને મૃત હાલતમાં જોતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કમકમાટીભર્યા બનાવના પગલે ફ્લેટના રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બીજી તરફ પોલીસને જાણ કરાતા નારોલના ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવ્યા હતા. ફ્લેટના રહીશોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે અગાઉ પણ બિલ્ડરને લિફ્ટના રિપેરિંગ અને મેઇન્ટેનન્સ બાબતે જાણ કરાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની દરકાર બિલ્ડર દ્વારા લેવાઈ નહોતી. રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે આ બેદરકારીના કારણે જ આ બનાવ બન્યો છે. પોલીસે મૃતક અંશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને લિફ્ટ એક્સપર્ટનો અભિપ્રાય મેળવવાની તજવીજ હાથ ધરી છે.

