ટર્મિનલ-૧ પર એન્ટ્રી ન મળતા ધમકી આપી, સવારે ડ્યૂટી પૂરી કરી ઘરે જતા સિક્યુરિટી ઓફિસર પર લાકડાના દંડા વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા
Ahmedabad, તા.૫
Ahmedabadના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૧ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસર પર ટેક્સી ચાલકો અને તેમના સાગરીતો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે વિધાઉટ ટ્રીપ ટેક્સી અંદર લઈ જવાની ના પાડતા ઉશ્કેરાયેલા તત્ત્વોએ સવારે ઘરે પરત ફરી રહેલા સિક્યુરિટી ઓફિસરને આંતરી લાકડાના દંડા વડે બેફામ માર માર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સિક્યુરિટી ઓફિસરને ડાબા પગે ૬ અને જમણા હાથે ૭ ટાંકા આવ્યા છે. એરપોર્ટ પોલીસ મથકે ૬ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ ખાતે ય્ડ્ઢઠ સિક્યુરિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓફિસર તરીકે નોકરી કરતા સુનીલભાઈ કિશોરભાઈ પટણી (ઉં.વ. ૩૧) ગત ૨ ઓક્ટોબરના રોજ રાત્રિના ૧૦થી સવારના ૬ વાગ્યાની શિફ્ટમાં ફરજ પર હતા. દરમિયાન રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે ટર્મિનલ-૧ એરાઈવલ ગેટ ખાતે આકાશ રબારી નામનો ડ્રાઈવર પોતાની ટેક્સી લઈને આવ્યો હતો. સિક્યુરિટી ઓફિસરે ટ્રીપ ચેક કરતા કોઈ ટ્રીપ ન હોવાથી ગાડી પરત લઈ જવા કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા આકાશે “તારાથી થાય તે કરી લે, ગાડી તો અંદર લઈ જ જઈશ” તેમ કહી બબાલ કરી હતી અને “અત્યારે મારી ગાડી રોકીશ તો સવારે જોઈ લઈશ” એવી ધમકી આપી હતી. આ દરમિયાન તેની વહારે આવેલા અન્ય ટેક્સી ચાલકો રાજુ રબારી, મૌલિક રબારી અને મયંક રબારી પણ પોતાની ગાડીઓ સાથે આવી પહોંચ્યા હતા અને ઝઘડો કરી ધમકીઓ આપી હતી. સિક્યુરિટીએ ૧૧૨ નંબર પર કંટ્રોલને ફોન કરતા તમામ ડ્રાઈવરો ભાગી ગયા હતા.
દરમિયાન ૩ ઓક્ટોબરની સવારે ૬ વાગ્યે સિક્યુરિટી ઓફિસર સુનીલભાઈ પોતાની નોકરી પૂરી કરી ટુ-વ્હીલર પર ઘરે જઈ રહ્યા હતા. સાડા છ વાગ્યાના સુમારે નોબલ ટર્નિંગ પાસેથી પસાર થતી વખતે પાછળથી એક્ટિવા પર આવેલા સની સોલંકી અને વિશાલ ભરવાડે તેમને આંતર્યા હતા. એક્ટિવા પાછળ બેઠેલા સની સોલંકીએ સુનીલભાઈ પર લાકડાના દંડા વડે હુમલો કરી દેતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ સનીએ તેમના પર જમણા હાથે અને ડાબા પગે ચાર-પાંચ સપાટા ચોડી દીધા હતા, જ્યારે વિશાલે “આજે તો આને જાનથી મારી નાખવાનો છે” કહીને ગાળો ભાંડી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા સિક્યુરિટી સ્ટાફના કર્મચારીઓ મુકેશ આજરા અને ધરેન્દ્રસિંગે વચ્ચે પડીને સુનીલભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. ઘટના બાદ ૧૦૨ અને ૧૧૨ની ટીમ આવી પહોંચતા ઈજાગ્રસ્ત સુનીલભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમના ડાબા પગે ૬ અને જમણા હાથે ૭ ટાંકા આવ્યા હતા. આ મામલે એરપોર્ટ પોલીસે સિક્યુરિટી ઓફિસર સુનીલ પટણીની ફરિયાદના આધારે આકાશ રબારી, રાજુ રબારી, મૌલિક રબારી, મયંક રબારી, સની સોલંકી અને વિશાલ ભરવાડ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

