ઓસ્ટ્રિયન એમ્બેસીએ બનાવટી દસ્તાવેજોના આધારે બે વાર અરજી ફગાવતા મહિલાએ કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવનો સંપર્ક કર્યો હતો
Ahmedabad, તા.૧
વસ્ત્રાપુરમાં રહેતા અને વિઝા કન્સલ્ટન્સી ચલાવતા વૃદ્ધા સાથે મુંબઈની વિઝા ફર્મના સંચાલકોએ છેતરપિંડી આચરી છે. આરોપીઓએ વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને રૂ.૩૦.૯૪ લાખની છેતરપિંડી કરી છે. મુંબઈની ‘ઔરા એઇમ ઓવરસીઝ કન્સલ્ટન્સી’ના માલિક અને ભાગીદારોએ વૃદ્ધાના ૮ ક્લાયન્ટના વિઝા પ્રોસેસ પેટે બેંક ખાતામાં તેમજ રોકડેથી નાણાં પડાવી લીધા બાદ બોગસ દસ્તાવેજો રજૂ કરતા એમ્બેસીએ વિઝા રિજેક્ટ કર્યા હતા. બાદમાં પૈસા પરત ન આપી ધમકીભર્યું વલણ દાખવતા ત્રણેય સામે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે બાલાજી એવન્યુમાં રહેતા અને ૬૬ વર્ષીય રાજુલબહેન ઉપાધ્યાય ૨૦ વર્ષથી વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે.
તેઓ વિદેશના સીધા કામ બહારની એજન્સીઓને સોંપતા હોય છે. વર્ષ ૨૦૨૨માં તેમનો મુંબઈના મલાડ-વેસ્ટ સ્થિત ‘ઔરા એઇમ ઓવરસીઝ કન્સલ્ટન્સી’ના સેલ્સ એક્ઝિક્યુટિવ કૌશલ ચુડાસમા સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં રાજુલબહેન પાસે આવેલા રાકેશકુમાર ચૌહાણ, ભાવુભાઈ ગોહીલ, કિરણસિંહ સોલંકી, જીબીન ચકુન્ગલ અને ટોની ઉલ્લહાન નામના પાંચ ગ્રાહકોના ઓસ્ટ્રિયા દેશના વર્ક પરમિટ વિઝા ફાઇલિંગનું કામ આવતા તેમણે તે ફાઇલ આ મુંબઈની એજન્સીને સોંપ્યું હતું. એજન્સીએ જૂન-૨૦૨૫માં મારફતે ફાઇલિંગ કરાવ્યું હતું, પરંતુ એમ્પ્લોયમેન્ટના દસ્તાવેજો ખોટા હોવાનું જણાવી ઓસ્ટ્રિયન એમ્બેસીએ અરજીઓ રદ કરી દીધી હતી. ત્યારબાદ ઓક્ટોબર-૨૦૨૫માં પ્રાયોરિટી ફી વસૂલી બીજી વાર ફાઇલિંગ કરાયું હોવા છતાં એમ્બેસીએ ફરીથી ફાઇલ રિજેક્ટ કરી હતી.
આ કામ પેટે આરોપીઓએ રૂ.૨૨.૨૯ લાખ અને પ્રાયોરિટી ફી પેટે કુલ રૂ.૨.૬૫ લાખ રોકડા મેળવી લીધા હતા. આ ઉપરાંત અન્ય ૩ ગ્રાહકો રવિ પ્રજાપતિ, સ્મિત પટેલ અને અંકુર બોરઠાકુરના વર્ક પરમિટ પેટે વધુ રૂ.૬ લાખ પડાવી માત્ર ઈમેઇલ દ્વારા ઓફર લેટર મોકલી આપી આગળની કોઈ પ્રક્રિયા કરી નહોતી. સમગ્ર મામલે કંપનીના માલિક આકાશ પરમાર, ભાગીદાર જય રાવલ અને દિવ્યેશ પટેલે કુલ રૂ.૩૦.૯૪ લાખ મેળવી લીધા બાદ તે રકમ પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી રાજુલબેને આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.રાજુલબહેને જ્યારે પ્રક્રિયા અટકી પડવા અંગે કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવનો સંપર્ક કર્યો ત્યારે મોટો ખુલાસો થયો હતો. કર્મચારીએ જણાવ્યું કે કંપની નિયમિત પગાર આપતી ન હોવાથી તેણે નોકરી છોડી દીધી છે. વધુમાં તેણે ફોડ પાડ્યો હતો કે સમગ્ર વિઝા પ્રોસેસ અને ક્લાયન્ટ્સ સાથેની ડીલ માત્ર માલિક આકાશ પરમાર, જય રાવલ અને દિવ્યેશ પટેલ જ સીધી રીતે હેન્ડલ કરતા હતા. આ લોકો સ્થાનિક કન્સલ્ટન્ટ્સ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી બનાવટી ડોક્યુમેન્ટ્સના સહારે વિઝા મેળવવાનું જોખમી નેટવર્ક ચલાવતા હોવાની શંકા છે.

