New Delhi, તા.26
ભાજપની સંગઠનાત્મક ચૂંટણીમાં હવે કમુર્હુતા ઉતર્યા પછી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને ત્યારબાદ રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ થશે તે સમયે જ જે રીતે આંબેડકર વિવાદ છેડાયો છે તેથી ભાજપ હાલ બેકફુટ પર છે અને હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે જે નામોની વિચારણા થઇ રહી છે તેમાં હવે કોઇ દલિત ચહેરાને પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા અંગે વિચારણા કરશે.
ભાજપને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડો. આંબેડકર અંગે જે વિધાનો કર્યા તેનો પીછો છોડાવવાનું મુશ્કેલ બની ગયું છે અને તેથી જ ભાજપે તેના શાસનના એક બાદ એક રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્રકાર પરિષદ ભરીને કોંગ્રેસ દ્વારા જે રીતે આંબેડકર મુદ્દો ચગાવવામાં આવી રહ્યો છે તેનું કાઉન્ટર કરવા જણાવાયું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે પણ પત્રકાર પરિષદ યોજી હતી.
આ સમયે ભાજપને આરએસએસના વડા મોહન ભાગવતના મંદિર-મસ્જિદ વિધાનો અંગે ઉત્તર પ્રદેશમાં જે રીતે વિરોધ થયો છે તેનો પણ મુકાબલો કરવાનો છે. હાલના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ લોકસભા ચૂંટણી સમયે ‘અમારે સંઘની હવે જરૂર નથી, ભાજપ એકલા હાથે ચૂંટણી જીતી શકે છે’ તેવા જે વિધાનો કર્યા તે લોકસભામાં સંઘને ભાજપથી દૂર કરી દીધી અને ભાજપને મુશ્કેલીમાં મુકી દીધી હતી. જેનો માંડ ઉકેલ લવાયો ત્યાં જ હવે દલિત મુદ્દે ભાજપ ફસાઇ છે.
તેથી જ ભાજપ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે તેની પ્રતિબધ્ધતા બતાવવા કેટલાક રાજ્યોમાં પણ દલિત પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ દલિત રાષ્ટ્રીય પ્રમુખ નિયુક્ત કરી શકે છે જેમાં હાલમાં ચર્ચાતા નામને બદલે વધુ નામો પર ચર્ચા શરૂ થઇ છે. આ નામોમાં કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ પાર્ટીના મહાસચિવ દુષ્યંત ગૌતમ અને ઉત્તર પ્રદેશના મંત્રી બેબી રાની મોર્યના નામ પણ સામેલ થયા છે.
જો કે પક્ષના સૂત્રો કહે છે કે બે નામો પર લગભગ ફાઇનલ થઇ ગયું હતું જેમાં ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ સામેલ છે. ખાસ કરીને ભુપેન્દ્ર યાદવ કે જેઓ સંગઠનમાં નિવડેલા નેતા છે. તેઓેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે વધુ તરફેણ હતી પણ હવે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આંબેડકર મુદ્દો ચગાવ્યો છે અને આમ આદમી પાર્ટી પણ તે મોરચે આગળ વધી રહી છે તેથી ભાજપને દલિત નામો પર વિચારણા કરવાની ફરજ પડશે તેવું પક્ષના સૂત્રો પણ સ્વીકારે છે.

