Mumbai,તા.23
બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને આઈસીયુમાં દાખલ થઈ સર્જરીના બ્લોગ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેમાં મારી વાત જ નહોતી. હું તો આર્જેન્ટિનાની હાર બાદ ફૂટબોલના લેજન્ડ લાયોનેલ મેસ્સીની વાત કરતો હતો. અમિતાભે પોતાના બ્લોગમાં ગઇકાલે હોસ્પિટલ અને આઇસીયુની વાતો કરતાં તેમના ચાહકોમાં ચિંતા પ્રસરી ગઇ હતી.
એક અટકળ અનુસાર હાલના સંજોગોમાં કૌન બનેગા કરોડપતિની પ્રસિદ્ધિ દબાઇ ગઇ હોવાથી આવું ઓનલાઇન ગતકડું શોના નિર્માતાઓ દ્વારા માર્કેટિંગ માટે કરાવવામાં આવ્યું હોઇ શકે છે. જે હોય તે હાલ તો બીગ બી કૌન બનેગા કરોડપતિની આગામી સિઝનને સફળ બનાવવા રાતદિવસ મહેનત કરી રહ્યા છે.
અમિતાભે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે જ્યારે ચેમ્પિયન હારે ત્યારે તેને માટે સૌથી મુશ્કેલ સમય પોતાની જાત સાથે મેળ પાડવાનો હોય છે. આમાં મેં સંદર્ભ આર્જેન્ટિનાની હાર અને મેસ્સી ચેમ્પિયન તરીકે હાર્યો એની વાત કરી હતી પણ લોકોએ ખોટી રીતે તેને મારી વાત માની લીધી હતી.
દરેક ચેમ્પિયને જાણી લેવું જોઇએ કે સમય જતાં બીજો ચેમ્પિયન પેદાં થવાનો જ છે. ચેમ્પિયન માટે કોઇ તેનું સ્થાન લેવાનું છે તે હકીકત પચાવવાનું મુશ્કેલ હોય છે પણ આ જ તો જીવન છે. પછી અમિતાભે ફરી માંદગી અને સર્જરીની લવારી કરી છે અને છેલ્લે જણાવ્યું છેકે ચેમ્પિયન પડયા પછી પણ ઉભો થઇ શકે છે અને લડીને ફરી ચેમ્પિયન બની શકે છે. જીવનમાં અગણિત પાઠો એવા પડયા છે જે શીખવાના બાકી હોય છે.

