બ્રહ્મ સમાજને એકસૂત્રે બાંધતી વેબસાઇટનું લોકાર્પણ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૧
Amreli જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ અને ભૂદેવ પરિવારોની ઉપસ્થિતિમાં ’સ્નેહનું સંભારણું’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભર માંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહી સમાજની એકતા, સંગઠન અને સેવાભાવને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિકસાવવામાં આવેલી નવી વેબસાઇટનું લોકાર્પણ રહ્યું હતું. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ વેબસાઇટ દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા તમામ ભૂદેવ પરિવારોની માહિતી એકત્રિત કરી તેમને એક ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલના માધ્યમથી સમાજના દરેક પરિવાર સુધી સરળતાથી પહોંચીને જરૂરિયાતમંદોને સમયસર સહાય અને વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે.
શાસ્ત્રી રમેશભાઇ ઠાકર, છેલભાઇ જોષી, ઉદયનભાઇ ત્રિવેદી, એમ.જી.જોષી, આર.પી.મહેતા, પરેશભાઇ આચાર્ય, તનસુખભાઇ ઠાકર, મુકુંદભાઇ મહેતા, હસુદાદા જોષી સહિતના હોદ્દેદ્દારો પરિવારની ઉપસ્થિતિમાં જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તુષારભાઈ જોષીએ જણાવ્યું હતું કે, ‘‘આ વેબસાઇટનું માત્ર માહિતીનો સંગ્રહ નહીં, પરંતુ સમાજના દરેક પરિવાર સાથે જીવંત સંપર્ક જાળવતું સેવા અને સંગઠનનું સશક્ત માધ્યમ છે. સમાજના અંતિમ હરોળમાં રહેલા જરૂરિયાતમંદ પરિવાર સુધી સમયસર પહોંચીને તેમને સહાયરૂપ થવા તેમજ સમગ્ર બ્રહ્મ સમાજને એકસૂત્રે બાંધવાનો અમારો સંકલ્પ છે.‘‘
સમાજની એકતા, સંગઠન અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડીલોના હસ્તે વેબસાઇટનું લોકાર્પણ કરી સમાજના ડિજિટલ સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કાર્યક્રમો દ્વારા સમાજને વધુ ગતિશીલ, પ્રગતિશીલ અને સેવાભાવી બનાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં શાસ્ત્રી રમેશભાઇ ઠાકર, છેલભાઇ જોષી, એમ.જી.જોષી એ માર્ગદર્શન આપેલ હતુ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પરશુરામધામનાં પ્રણેતા ઉદયનભાઇ ત્રિવેદીએ પરશુરામધામનાં વિકાસ માટે માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ શહેર પ્રમુખ ભગિરથ ત્રિવેદીએ સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન જિલ્લા મહામંત્રી તેજશ ત્રિવેદી એ કર્ય હતુ. તેમ શહેર મહામંત્રી મુકેશ તેરૈયા અને અજય પંડ્યાની યાદી જણાવે છે.

