લોઠડામાં પ્રોઢ અને ભાંગડામાં વૃદ્ધનું બેભાન થઈને ઢળી પડ્યા, પરિવારમાં શોક
Rajkot તા.૧૩
શહેરમાં હાર્ટ એટેકનો કહેર યથાવત છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ વૃદ્ધ સહિત ત્રણ લોકોના હદય થંભી જતા મોત નીપજ્યું છે, બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા બજરંગદળના સક્રિય કાર્યકર વિનેશ કાંતિભાઈ ડોડીયા (ઉં.વ. ૫૦) ગઈકાલે રાત્રે આશરે ૧૦૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું. બજરંગદળના અગ્રણી કાર્યકરના મોતથી સ્થાનિક સ્તરે ઘેરા શોકની લાગણી ફરી વળી છે. બીજા બનાવમાં, રાજકોટ નજીક આવેલા લોઠડા ગામમાં રહેતા વંશરાજ લાલજીભાઈ બિંદ (ઉં.વ. ૪૦) ગઈકાલે રાત્રે ૮૩૦ વાગ્યાની આસપાસ કારખાના પરિસરમાં જ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. ત્રીજા બનાવમાં, રાજકોટ તાલુકાના ભાંગડા ગામે રહેતા અને ખેતીકામ કરતા વૃદ્ધ મોલસુરભાઈ યુનાભાઈ પરમાર (ઉં.વ. ૮૨) ગઈકાલે રાત્રે ૧૦૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને હોસ્પિટલ લઈ જતા તબીબે હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. ઉપરોક્ત ત્રણેય બનાવો અંગે સ્થાનિક પોલીસે નોંધ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

