અકસ્માત બાદ બોલાચાલી દરમિયાન સ્ટીલના ગ્લાસથી માથામાં ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી
Jamnagar તા.૧૧ઃ
જામનગર જિલ્લાના ધ્રોલ માં એસટી બસ અને બોલેરો વચ્ચે સામાન્ય અકસ્માત બાદ મામલો ઉગ્ર બનતાં એસટી કંડક્ટર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ચાર હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ મોટા વાગુદડ ગામે રહેતા અને ધ્રોલ એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા ઋત્વિકસિંહ બકુલસિંહ જાડેજા ગઇ કાલે પીઠડીયા-ધ્રોલ રૂટની એસટી બસમાં ફરજ પર હતા. વહેલી સવારે લગભગ ૬ વાગ્યે બસ નંબર જીજે-૧૮-ઝેડ- ૩૧૮૯૦ લઈને ડ્રાઈવર સહદેવસિંહ જાડેજા સાથે પીઠડીયાથી ધ્રોલ તરફ નીકળ્યા હતા.
સવારે અંદાજે સવા સાત વાગ્યે ધ્રોલ ખારવા ચોકડી પાસે બસ રોડ ક્રોસ કરતી વખતે એક બોલેરો ગાડી સાથે હળવો અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હોવાથી બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
આ દરમિયાન ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો મનીષ રાઠોડ ત્યાં આવી પહોંચ્યો હતો, અને એસટી કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કરી ગાળો બોલવા લાગ્યો હતો. ફરિયાદ મુજબ ઋત્વિકસિંહ બસમાં ચઢવા જતા હતા ત્યારે મનીષ રાઠોડે પાછળથી કોલર પકડી તેમને નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પણ ગાળો બોલી હુમલો શરૂ કર્યો હતો.ફરિયાદમાં જણાવાયું છે કે મનીષ રાઠોડે નજીકની હોટલમાંથી સ્ટીલનો ગ્લાસ લાવી ઋત્વિકસિંહના માથાના જમણા ભાગે ફટકાર્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ ચારેય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની તેમજ ‘‘ટાંટિયા ભાંગી નાખવાની’’ ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા.બાદમાં ગામના બ્રિજરાજસિંહ ગણપતસિંહ જાડેજા તેમને રિક્ષામાં ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં માથામાં ટાંકા લઈ સારવાર આપવામાં આવી હતી. હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે.આ બનાવ અંગે ધ્રોલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

