Kutch, તા.12
કચ્છના કડોલ રણમાં ગેરકાયદેસર દબાણ કરતા ભુમાફીયાઓ પર કાર્યવાહી કરતાં ફોરેસ્ટ કર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવા પ્રયાસ કરાયો હતો. જેથી આરએફઓએ હવામાં ફાયરીંગ કર્યુ હતું.
ગત મધરાત્રે પૂર્વ કચ્છ વન તંત્રની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. કડોલ રણમાં હજારો એકર જમીન ભુમાફીયા દબાણ કરીને મિઠુ પકાવીને લાખોની કમાણી કરી રહ્યા છે.
આ ઘટના અંગે વન વિભાગે અજાણ્યા હુમલાખોરો સામે ફરીયાદ નોંધી ભચાઉ પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. આ ટીમે ટ્રેક્ટરો વડે પાળા બનાવતાં લોકોનો પીછો કરતા ભુમાફીયાઓનુ ટોળું એકઠું થયું હતું વન વિભાગના RFO પર ટ્રેક્ટર ચડાવવાનું પ્રયાસ કર્યો હતો.
ગત રાત્રે વન વિભાગની ટીમ ભચાઉના કડોલ નજીક આવેલા કચ્છ ડેઝર્ટ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુઅરી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. રાતના અંધારાનો લાભ લઈને કેટલાંક લોકોનું ટોળું ટ્રેક્ટરો લઈને અગર માટેના પાળા બનાવી રહ્યું હતું. વન વિભાગની ટીમે તેમને પડકારતાં ટોળું ટ્રેક્ટરો સાથે નાસવા માંડ્યું હતું. તેમને પકડવા માટે વન વિભાગની ટીમે પીછો શરૂ કર્યો હતો ત્યારે બનાવ બન્યો હતો.

