New Delhi,તા.17
દેશમાં બેન્કીંગ સેવા સાથે જોડાયેલા ડીજીટલ એરેસ્ટ સહિતના સાઈબર ક્રાઈમમાં થઈ રહેલા વધારા તથા જે રીતે સાયબર ફ્રોડથી બેન્કો સાથે છેતરપીંડી થઈ રહી છે. તેના પર ગંભીર ચિંતા દર્શાવતા સુપ્રીમકોર્ટે આ પ્રકારની ગુન્હાખોરી માટે બેન્કોની બેકાળજી-બેદરકારી પણ જવાબદાર હોવાનું જણાવ્યુ હતું.
સુપ્રીમ કોર્ટે આ અંગે સરકાર તથા રેગ્યુલેટરી ખાસ કરીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને આ પ્રકારની ગુન્હાખોરી સમયે બેન્કો સાવધ થઈ જાય તે માટે મિકેનીઝમ ગોઠવવા જણાવ્યુ હતું. તમામ એજન્સીના એક રિપોર્ટ જેમાં જણાવાયુ કે ડીજીટલ એરેસ્ટ અને સાયબર- ચાંચીયાઓ દ્વારા બેન્ક ખાતામાંથી નાણા ઉઠાવી જવામાં કુલ રૂા.3000 કરોડની રકમ ગ્રાહકોએ ગુમાવી છે.
તેના પર સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુર્યકાંતે ચિંતા દર્શાવી કે ડીજીટલ એરેસ્ટ મારફત અને અન્ય સાયબર ફ્રોડની આટલી જંગી રકમ જપ્ત એ ચોંકાવનારુ છે. બેન્કીંગ સીસ્ટમમાં આ પ્રકારની બેદરકારી શોધવા માટે ખાસ સીસ્ટમ હોવી જોઈએ. જયારે સ્કેમર બેન્કીંગ સીસ્ટમનો ગેરઉપયોગ કરે તો તુર્તજ બેન્કોને જાણ થઈ જાય તે જરૂરી બનવુ જોઈએ.
આ તકે એટર્ની જનરલે પણ સ્વીકાર્યુ કે આ પ્રકારના સ્કેમ કરનારને તક મળી જાય તેવી ક્ષતિ ચોકકસ છે. આ માટે આંતર મંત્રાલય કમટી એક મિકેનીઝમ ગોઠવવા માટે વિચારણા કરી રહી છે. આ તકે અદાલતની સહાયતા માટે નિયુક્ત સિનીયર ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે નાણા જે રીતે ઉપાડી જવાય છે તેની રીકવરીની પણ ચિંતા થવી જોઈએ.

