Bhavnagar, તા.17
ભાવનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા પ્રતિવર્ષ પરંપરા મુજબ ભાવનગરનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, સાંઈરામ દવે, કિંજલ દવે સહિતના દિગ્ગજ કલાકારોના ભવ્ય જાહેર કાર્યક્રમો સાથે ત્રણ દિવસના કાર્નિવલનું આયોજન કરાયું હતું.
દરમિયાનમાં મહાપાલિકાની ચૂંટણીના અનુસંધાને આચારસંહિતા અમલી થતા જાહેર કાર્યક્રમો મોકુફ રાખી બ્લડ ડોનેશન કેમ્પ અને પુષ્પાંજલિ અર્પણના કાર્યક્રમ સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
19 એપ્રિલ, રવિવારે અક્ષય તૃતીયાના દિવસે ભાવનગરનો 304મો સ્થાપના દિન ઉજવાશે. આ ઉપલક્ષમાં રવિવારે સવારે 9/30 કલાકે મોતીબાગ ખાતે પ્રજા વત્સલ ભાવસિંહજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ, ત્યારબાદ દરબારી કોઠાર સમાધી સ્થળે શ્રધ્ધા પુષ્પ અર્પણ અને ત્યારબાદ નિલમબાગ ચોક ખાતે પ્રાત સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાશે.જન્મોત્સવ સમિતિ વતી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, આ કોઈ વ્યક્તિ, સમિતિનો કાર્યક્રમ નથી.
ભાવનગરના સ્થાપના દિનની ઉજવણીમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો અને ઉદ્યોગગૃહો પણ જોડાતા હોય છે. 304માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રા.લિ. દ્વારા 18 એપ્રિલ-શનિવારે મેગા રક્તદાન કેમ્પ યોજાશે.
રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણા ભાવનગરના જન્મોત્સવમાં આ અમાં સામાજિક યોગદાન છે. 18 એપ્રિલ શનિવારે હરિકૃષ્ણ એક્સપોર્ટ ના મેદાનમાં પ્લોટ નં 51, નિલમબાગ ખાતે સવારે 9 વાગ્યાથી મંત્રી જીતુભાઈની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાશે. 304 મો સ્થાપના દિન હોય 304 બોટલનો લક્ષ્યાંક રાખ્યો છે અને આ પ્રસંગે નગરજનોને રક્તદાન કરવા અપીલ છે.

