અંતે ચીને ભારતીય સરહદ પાસે તિબેટના વિસ્તારોમાં બ્રહ્મપુત્રા નદી પર તોતિંગ હાયડ્રોપાવર ડેમના નિર્માણને મંજૂરી આપી દીધી. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટયુટ (એએસપીઆઈ) નામની થિંક ટેંકે ભારતને ઓગસ્ટ મહિનામાં ચેતવણી આપી હતી કે બ્રહ્મપુત્રા નદી પર ચીન વિશાળ બંધ બાંધવાની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે અને બહુ જલદી તેની જાહેરાત કરાશે. આ બંધના કારણે ભારત પર કલ્પી ના શકાય એવો મોટો ખતરો ઝળુંબી રહ્યો છે એવી ચેતવણી પણ અપાઈ હતી.
આ ચેતવણી સો ટકા સાચી પડી છે કેમ કે, ચીને બ્રહ્મપુત્રા પર દુનિયાનો સૌથી મોટો બંધ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી નાંખી છે. ચીને આ પ્રોજેક્ટ માટે ૧૩૭ અબજ ડોલર (લગભગ રૂપિયા ૧૨ લાખ કરોડ)ના ખર્ચને મંજૂરી આપી છે. ચીનનો બંધ પૃથ્વી પરનો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. ચીને ગયા વરસે એટલે કે ૨૦૨૩માં આ હાયડ્રોપાવર પ્રોજેક્ટનો રીપોર્ટ તૈયાર કરાવેલો.
આ રીપોર્ટ પ્રમાણે, આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાંથી દર વરસે ૩૦૦ અબજ કિલોવોટ (ંઉર)થી વધુ વીજળીનું ઉત્પાદન કરશે. આ વીજળી ૩૦ કરોડ લોકોના વાર્ષિક વપરાશ માટે પૂરતી છે. અત્યારે ચીનની વસતી ૧૩૦ કરોડની આસપાસ છે એ જોતાં લગભગ ૨૫ ટકા વસતીને આ બંધમાંથી જ વીજળી પૂરી પડાશે. આ બંધના કારણે ચીનમાં લગભગ ૧૪ લાખ લોકો વિસ્થાપિત થશે પણ તેમને બહુ પહેલાં જ ખસેડવાની વ્યવસ્થા પણ ચીને કરી દીધી છે.
ચીનની આ જાહેરાતે ભારત અને બાંગ્લાદેશ બંનેને સ્તબ્ધ કરી દીધાં છે કેમ કે એક સાથે આ બંને દેશ પર ભયંકર ખતરો ઉભો થઈ ગયો છે.
હિમાલય પર્વતના કૈલાશ શિખર પાસેથી નિકળતી બ્રહ્મપુત્રા તિબેટ થઈને ભારતમાં પ્રવેશે છે અને પછી બાંગ્લાદેશ જાય છે. બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા જમુના તરીકે તિબેટમાં યારલુંગ ત્સાંગપો અને ચીનમાં યારલુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે. ભારતમાં બ્રહ્મપુત્રા અરૂણાચલ પ્રદેશમાંથી પછી આસામમાં જાય છે.
ચીન બ્રહ્મપુત્રા નદી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશતા પહેલાં અને બાંગ્લાદેશમાં જતાં પહેલાં જોરદાર યુ-ટર્ન લે છે. ચીન આ યુ ટર્ન પાસે જ બંધ બાંધવાનું છે તેથી ભારત અને બાંગ્લાદેશ બંનેને આ બંધથી ખતરો છે.
ચીને આ સ્થળ પસંદ કર્યું કેમ કે બ્રહ્મપુત્રા ભારતમાં પ્રવેશે એ પહેલાં લગભગ ૩૦૦૦ મીટર ઉંડી ખીણમાં જંગી ધોધ સ્વરૂપે પડે છે. આ સ્થળે બંધ બને તો મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકાય.
આ બંધથી ભારત માટે તો બહુ મોટો ખતરો છે કેમ કે આ બંધ દ્વારા ચીન ભારતની હાલત બહુ ખરાબ કરી શકે છે. સૌથી પહેલાં તો ચીન બ્રહ્મપુત્રાનું બધું પાણી રોકી દઈને આપણને તરસ્યા મારી શકે છે. ભારતની ખેતીને પણ તબાહ કરી શકે. આસામનાં તમામ મોટાં શહેરો બ્રહ્મપુત્રાના કિનારે વસેલાં છે. આસામ, અરૂણાચલ પ્રદેશ સહિતનાં ઉત્તર-પૂર્વનાં બધાં રાજ્યો બ્રહ્મપુત્રાના પાણી પર નિર્ભર છે.
ભારતે બ્રહ્મપુત્રા-યમુના લિંક બનાવીને બ્રહ્મપુત્રાનું પાણી યમુના નદીમાં વાળ્યું હોવાથી ઉત્તર ભારતનો મોટો વિસ્તાર પણ બ્રહ્મપુત્રા નદી પર નિર્ભર છે. ભારત પોતે બ્રહ્મપુત્રા નદીના પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકાય એ માટે આસામમાં બ્રહ્મપુત્રા પર બંધ બાંધવા માગે છે પણ ચીનથી પાણી જ ના આવે તો આ બંધનો કોઈ અર્થ જ નહીં રહે.
બીજું એ કે, બ્રહ્મપુત્રા નદીના પાણી પર કંટ્રોલ કરીને ચીન તેનો ઉપયોગ ભારતના મોટા વિસ્તારને તબાહ કરવા કરી શકે છે. ચીન બ્રહ્મપુત્રાનું પાણી છોડીને કૃત્રિમ પૂર લાવીને દર વરસે કરોડોનો ફટકો મારી શકે ને મોટી જાનહાનિ પણ કરી શકે કેમ કે લગભગ ૮ કરોડ લોકો બ્રહ્મપુત્રાના મેદાન પ્રદેશમાં વસે છે. બાંગ્લાદેશની લગભગ ૨ કરોડ વસતીને પણ ખતરો છે તેથી બાંગ્લાદેશમાં પણ સન્નાટો છે.
ચીને બંધ બનાવવા માટે બ્રહ્મપુત્રાનો પટ સૌથી પહોળો છે એવો વિસ્તાર પસંદ કર્યો છે કે જેથી ભારતને મહત્તમ નુકસાન કરી શકે.
આ પટ ૩૦૦૦ મીટર ઉંડી ખીણમાં હોવાથી વરસાદ વખતે મહત્તમ પાણીનો સંગ્રહ કરી શકાશે. મતલબ કે ચીન ભારતની બે બાજુંથી બજાવશે. ઉનાળામાં ચીન પાણી રોકીને પરેશાન કરશે અને ભારત સાતે ઘર્ષણ થાય ત્યારે પાણી છોડીને ભારતને તબાહ કરી શકે. આ એક પ્રકારનો આતંકલાદ છે કે જેના માટે વોટર ટેરરિઝમ શબ્દ વપરાય છે.
ચીન વોટર ટેરરિઝમના રસ્તે વળી રહ્યું હોવાની ચેતવણી બહુ પહેલાંથી અપાતી હતી. બ્રહ્મપુત્રાનો ઉપયોગ ચીન ગમે ત્યારે ભારતને પરેશાન કરવા કરશે એવી વાતો ચાલતી જ હતી પણ તેની સામે ભારત કશું કરી શક્યું નથી. ચીન ભવિષ્યમાં શું કરશે એ ખબર નથી પણ આ બંધ દ્વારા જબરદસ્ત ખતરો ઉભો કરી દીધો છે ત્યારે ભારતે તેની સામે શું કરવું એ વિચારવાની જરૂર છે.
બ્રહ્મપુત્રા પરના ઉદગમસ્થાન અને વહેણના મોટા ભાગના પ્રદેશ પર ચીનનો કબજો હોવાથી ભારત લાચાર છે પણ લાચાર બનીને બેસી રહેવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી એ જોતાં ભારતે કંઈક તો વિચારવું જ જોઈએ.
ચીન 2035 સુધીમાં બ્રહ્મપુત્રાના પાણીને ભારતમાં આવતું રોકી શકે
ચીન બ્રહ્મપુત્રાના પાણીનો ઉપયોગ ભારત સામે બ્રહ્માસ્ત્ર તરીકે કરવા માગે છે. આ માટે ચીન બ્રહ્મપુત્રા નદીના વહેણને બદલી દેવા માગે છે કે જેથી બ્રહ્મપુત્રા નદીનું પાણી ભારત સુધી પહોંચે જ નહીં. કોઈને આ વાત કહેતા બી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગશે પણ આ વાસ્તવિકતા છે. ૨૦૧૮માં આવેલા રીપોર્ટ પ્રમાણે, ચીન એક હજાર કિલોમીટર લાંબી સુરંગ (ટનલ) બનાવી રહ્યું છે.
તિબેટથી મેઈનલેન્ડ ચાઈના સુધી જમીનમાં બનનારી આ સુરંગમાં વિશાળ પાઈપો હશે. આ સુરંગ છેવટે ચાઈના મેઈનલેન્ડ કહેવાતા વિસ્તારમાં ખુલશે અને બ્રહ્મપુત્રાનું પાણી મેઈનલેન્ડમાં બનાવેલા વિશાળ સરોવરમાં ઠલવાશે. ચીને આ વિશાળ સરોવર બનાવી દીધું હોવાનું કહેવાય છે.
આ સરોવરમાંથી બ્રહ્મપુત્રાનું પાણી નહેરો દ્વારા આખા ચીનમાં મોકલવામાં આવશે. આ માટે નહેરો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ચીન સમાંતર રીતે જમીનમાં સુરંગ બનાવવાનું કામ પણ કરી રહ્યું છે. અહેવાલ પ્રમાણે, ચીન ૨૦૩૫ સુધીમાં જમીનની અંદર ટનલ બનાવીને પછી બ્રહ્મપુત્રાના પાણીને રોકવાનો ખેલ શરૂ કરશે. ભારત જેવા દેશ માટે આ વાતો કાલ્પનિક ગપગોળા લાગે પણ ચીનની રાક્ષસી તાકાત અને રાક્ષસી ટેકનોલોજી જોતાં ચીન ગમે તે કરી શકે.નિષ્ણાતો માને છે કે, ચીન ભારતમાં બ્રહ્મપુત્રાનું ટીપુંય પાણી ના પહોંચે તેવી સ્થિતી સર્જે એ પહેલાં ભારતે ભવિષ્યના ખતરાને સમજીને અત્યારથી કમર કસવી પડે છે. બ્રહ્મપુત્રાના પાણી વિના ભારતને ચાલે તેમ નથી એ જોતાં ભારતે ચીનની લુચ્ચાઈનો તોડ શોધવો જરૂરી છે.
ચીને 2023માં બ્રહ્મપુત્રા કરાર રીન્યુ નહીં કરીને બદઈરાદો છતો કરી દીધેલો
બ્રહ્મપુત્રા નદીના પાણીના વપરાશના મુદ્દે ભારત-ચીન વચ્ચે ૨૦૦૨માં કરાર થયા હતા. ચીન બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવાની કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે તેની માહિતી ભારતને આપવી એવી તેમાં જોગવાઈ હતી. ચીને બહુ પહેલાં જ બ્રહ્મપુત્રા નદી પર બંધ બનાવવાની યોજના તૈયાર કરી નાંખેલી પણ આ કરારના કારણે તેની જાહેરાત નહોતી કરી.
આ કરાર દર પાંચ વર્ષે રીન્યુ કરાતા હતા. ચીને ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૧૮માં પાંચ-પાંચ વર્ષ માટે આ કરાર રીન્યુ કર્યા હતા. આ રીતે તેણે એવી છાપ ઉભી કરી કે, બ્રહ્મપુત્રા નદીના પાણીને મુદ્દે પોતે કોઈ ચાલાકી નથી કરી રહ્યું પણ વાસ્તવમાં તિબેટ અને ચીનમાં તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી. આ તૈયારીઓને અંતિમ રૂપ અપાવાનું શરૂ થયું એટલે ૨૦૨૩માં આ કરાર પૂરો થયો પછી ચીને કરારને રીન્યુ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એ વખતે જ નક્કી હતું કે, ચીને બ્રહ્મપુત્રા મુદ્દે કોઈ મોટો દાવ રમવાનું નક્કી કર્યું છે અને આ વાત સાચી પડી છે.
ચીન ભારતને તમામ માહિતી આપવા બંધાયેલું હોવાથી ભારતે તિબેટમાં બનનારા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સામે વાંધો લીધો ત્યારે ચીને સાવ જૂઠાણું ચલાવેલું કે, તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર કોઈ બંધ બંધાઈ રહ્યો નથી. તિબેટની જિનશા, લૈનકાંગ અને નૂજિઆંગ નદીઓમાં વીજળી પેદા કરવાની ભારે ક્ષમતા હોવાથી આ નદીઓ પર બંધ બંધાઈ રહ્યો છે. ચીને ભારતને ખાતરી પણ આપેલી કે, આ એકેય નદી ભારતમાંથી પસાર થતી નહીં હોવાથી ભારતને કોઈ નુકસાન નહીં થાય.

