New Delhi, તા. 14
કેન્દ્ર સરકાર સોનાનાં દાગીનાની ખરીદીને વધુ સુરક્ષિત બનાવવા માટે એક નવી સિસ્ટમ લાવી રહી છે. આ સિસ્ટમ મુજબ, જ્યારે પણ તમે હોલમાર્કવાળું સોનું ખરીદશો, ત્યારે તેનાં 6 અંકના ખાસ નંબર (HUID) આગળ ઓનલાઈન સિસ્ટમમાં `વેચાઈ ગયું’ (Sold) એવું લખાઈ જશે.
આ નવો નિયમ આવવાથી ચોરીનાં દાગીનાં ફરીથી વેચવાનું કે પછી એક જ હોલમાર્ક નંબર બીજા દાગીનાં પર વાપરીને નકલ કરવાનું સાવ બંધ થઈ જશે. આ યોજના અંગે અત્યારે મોટા પાયે કામ ચાલી રહ્યું છે.
સરકારની યોજના છે કે આ નિયમ પહેલાં મોટા શહેરોનાં મોટા શોરૂમ (સંગઠિત જ્વેલર્સ) માટે ફરજિયાત કરાશે, અને ત્યારબાદ ગામડાંઓ તથા નાના સોનીઓ સુધી લાગું કરવામાં આવશે.
આ સિસ્ટમ આવ્યાં પછી વેપારીઓએ દરેક દાગીનાનો અલગથી હિસાબ રાખવો પડશે. પરિણામે, ગ્રાહકોને એકદમ સાચું અને અસલી સોનું મળશે તથા છેતરપિંડી સામે પૂરી સુરક્ષા મળશે.
સરકાર શા માટે આ ફેરફાર કરી રહી છે?
ભારત દુનિયામાં સોનાનાં દાગીનાનું બહુ મોટું બજાર છે. આપણાં દેશમાં સોનાની ચોરી અને દાગીનાં ઝૂંટવી જવાનાં કિસ્સા અવારનવાર બનતાં હોય છે. એક રિપોર્ટ મુજબ, ભારતનાં સોના-ચાંદીનું બજાર જાન્યુઆરી 2026 સુધીમાં આશરે 85 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે, અને 2030 સુધીમાં તે 130 અબજ ડોલર થઈ શકે છે. આ બજારમાં 84 ટકા હિસ્સો નાના અને અસંગઠિત સોનીઓનો છે.
અત્યારે શું વ્યવસ્થા છે?
અત્યારનાં નિયમ મુજબ સોનીએ દરેક હોલમાર્કવાળા દાગીનાં પર તેનો હોલમાર્ક નંબર અને વજન લખવું પડે છે. ખરીદી કરતી વખતે ગ્રાહકને બિલ મળે છે અને ગ્રાહક `BIS Care App’ દ્વારા સોનું સાચું છે કે નહીં તે ચકાસી શકે છે. પરંતુ અત્યારની સિસ્ટમમાં દાગીનો વેચાઈ ગયા પછી તેનો હોલમાર્ક નંબર ઓનલાઈન વેચાઈ ગયો તરીકે અપડેટ થતો નથી.
છેતરપિંડી કેવી રીતે અટકશે?
નવી સિસ્ટમમાં દાગીનો વેચાતાં જ તેનો હોલમાર્ક નંબર ‘વેચાઈ ગયો’ તરીકે દાખલ થઈ જશે. જો કોઈ એ જ નંબર બીજા દાગીનાં પર વાપરવાની કોશિશ કરશે, તો સિસ્ટમ તરત જ બતાવી દેશે કે આ નંબરનો દાગીનો તો પહેલાથી જ વેચાઈ ચૂક્યો છે. આનાથી ચોરીનાં કે પરવાનગી વગરનાં જૂના દાગીનાં ફરીથી બજારમાં વેચાતાં અટકી જશે.

