કાટમાળ નીચે દબાતા 9 મજુરોના મોત
Chamoli, તા.14
વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પ્રોજેકટની નિર્માણધીન ટનલમાં અચાનક ભારે માત્રામાં કાટમાળ અને પાણી ઘુસી જતા તેમાં કામ કરી રહેલા 28 જેટલા મજુરો ફસાયા છે. જેમાં લગભગ 9 મજુરોના મોત નીપજયા છે. જયારે અનેક મજુરો લાપતા છે. જયારે 19 જેટલા મજુરોને બચાવવામાં આવ્યા છે.લાપતા ત્રણ જેટલા મજુરોની શોધખોળ ચાલી રહી છે.
રેસ્કયુ કરવામાં આવેલા મજુરોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. રાહત અને બચાવ અભિયાનમાં એનડીઆરએફ એસડીઆરએફ, આઈટીબીપી પોલીસ સહીત અન્ય ટેકનીકલ અને વિશેષજ્ઞની ટીમ ઘટનાસ્થળે મોજુદ છે.
ટનલમાં ફસાયેલા મજુરો બચાવો-બચાવોની બૂમો પાડતા હતા ટનલનો કાટમાળ આવવાથી ઓકિસજન લેવલ ઘટી ગયુ હતું જેથી શ્વાસ રૂંધાવાથી ઘણા મજુરો આગળ નહોતા ચાલી શકતા.
એક ઘાયલ મજુરે જણાવ્યું હતું કે તે કીચડમાં કમર સુધી ફસાઈ ગયો હતો માંડ માંડ તેનો જીવ બચ્યો હતો ટીએચડીસીની ટનલથી બચીને આવેલા એક મજુરે જણાવ્યું હતું કે કે ટનલમાં અચાનક ઓકિસજન લેવલ ઓછુ થવાથી મજુરોના શ્વાસ રૂંધાયા હતા.
ચમોલીના એસપી સુરજીત સિંહ પવારે બચાવ કામગીરી વિશે જણાવ્યું હતું કે, “સાંજે 6ઃ30-6ઃ45 વાગ્યાની વચ્ચે, પીપલકોટીમાં બનાવવામાં આવી રહેલી ટનલના 1.8 કિમી દૂરથી કાટમાળ અને પાણી બહાર આવ્યું, જેના કારણે ત્યાં કામ કરતા લોકો તેમાં ફસાઈ ગયા. લગભગ 19 લોકો બહાર નીકળી ગયા છે અને કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા છે.
અમારી SDRF અને NDRF ટીમો તેના પર કામ કરી રહી છે. બચાવ કામગીરી સતત ચાલુ છે અને અમને આશા છે કે આગામી થોડા કલાકોમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવશે.”
સીએમ ધામીએ જણાવ્યું હતું કે પીપલકોટી નજીક બિરહી નદી પર બનાવવામાં આવી રહેલી ટનલની અંદર કામ કરતા કામદારો ઉપરથી ભૂસ્ખલન જેવી ઘટના બાદ અચાનક કાદવ અને કાટમાળના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. પરિણામે, કેટલાક લોકો અંદર ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

