New Delhi,તા.27
નીટ પેપર લીકના વિરોધમાં 36 દિવસ સુધી ચાલેલા આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. પ્રદર્શન સમાપ્ત થયાનાં બીજા જ દિવસે જંતર-મંતર ખાતે સફાઈ અભિયાન હાથ ધરીને દીવાલો પરથી વિરોધના નિશાન અને નારાઓ ભૂંસી નાખવામાં આવ્યાં હતાં.
તંત્ર દ્વારા રસ્તાઓ સાફ કરીને અને કલર કામ કરીને વિરોધના નિશાન હટાવવાના પ્રયાસો થયા હોવા છતાં, સ્થળ પર તૂટેલાં કાચવાળી ગાડીઓ આંદોલનની તીવ્રતા બતાવી રહી હતી.
આસપાસના દુકાનદારોએ દુકાનો ખુલતા રાહત અનુભવી હતી, તો બીજી તરફ અજાણ્યા લોકોએ સાથે મળીને કચરો પણ સાફ કર્યો હતો. બપોર પછી પોલીસે ભેગા થયેલા ટોળાને વિખેરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હાજર લોકોએ સ્પષ્ટ કર્યું કે જરૂર પડશે તો તેઓ ભવિષ્યમાં ફરી અહીં આવશે.
કોકરોચ જનતા પાર્ટીએ ફેલાવેલા આંદોલન દરમ્યાન આસપાસની સમગ્ર દિવાલો પર વિદ્યાર્થીઓને અન્યાય તથા સરકારની નિષ્ફળતા સહિતના મામલે અનેકવિધ સુત્રો લખ્યા હતા.
આ ઉપરાંત સરકાર વિરોધી લખાણો પણ લખવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓના સ્વીકાર પછી આંદોલન હવે સમાપ્ત થઇ ગયું છે ત્યારે તેના નિશાન પણ મિટાવવાના વ્યુહ સાથે સરકાર દ્વારા આસપાસની તમામ દિવાલો નવા રંગથી રંગી દેવામાં આવી રહી છે.

