Bhavnagar,તા.૪
બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ ગઢડામાં છેલ્લા ૨૪ કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં ગઈકાલે બપોરે થયેલી સામાન્ય તકરારમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઘટનાની વિગત મુજબ, ગઈકાલે ૩ એપ્રિલના રોજ બપોરે ૨ઃ૦૦ વાગ્યાની આસપાસ પશુને માર મારવા જેવી ક્ષુલ્લક બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ શાંત પડવાને બદલે રાત્રે ૮ઃ૪૫ કલાકે ફરી ઉગ્ર બન્યો હતો. રાત્રિના સમયે થયેલી મારામારીની ઘટનામાં અફરાતફરી મચી ગઈ હતી.
આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર ગઢડામાં આપ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે બોટાદ રીફર કરવામાં આવ્યા છે. અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું અહેવાલ છે.
ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા અને ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિત એલસીબી અને એસઓજીનો કાફલો ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો હતો. આ કાફલા દ્વારા વિંછીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પોલીસે બંને પક્ષે સામસામે કુલ ૧૧ લોકો વિરુદ્ધ આઇપીસીની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી ૯ આરોપીઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

