Rajkot, તા.27
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હેઠળ રાજકોટના હીરાસર સ્થિત ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ 1405 કરોડના ખર્ચે થતા જુલાઈ-2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયા બાદ એરપોર્ટના વિકાસ અને સુવિધા માટે અદ્યતન ઈન્ટરનેશનલ પક્ષાનું કરોડો રૂપિયાના ખર્ચે નવું ટર્મિનલ તૈયાર થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આ નવનિર્મિત ટર્મિનલ બિલ્ડીંગમાં સતત બીજા વર્ષે સામાન્ય વરસાદમાં પાણીનું લીકેજ થતા મુસાફરો સોશ્યલ મીડિયામાં કટાક્ષ-વ્યંગ સાથે ઈન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાઓ બાબતે આબરૂ કાઢતા હોવાના કિસ્સા છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર નિહાળવા- જાણવા મળી રહ્યા છે.
ત્યારે તાજેતરમાં સામાન્ય વરસાદમાં એરપોર્ટ ટર્મિનલ એર સ્પેસમાં વરસાદી પાણી ટપકતા પાણીનો ભરાવો થયા હોવાનો અહેવાલ `સાંજ સમાચાર’ સાંધ્ય દૈનિકમાં પ્રકાશિત થતા છેક દિલ્હી સુધી આ અહેવાલની નોંધ લેવાતા એરપોર્ટ ઓથોરીટીને તાકીદે કમિટીની રચના કરી તપાસ કરવા આદેશ કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
એરપોર્ટમાં નવું અદ્યતન ટર્મિનલ એરોસ્પેસ, એરોબ્રીજ સાથે રૂા.326 કરોડના ખર્ચે તૈયાર થતા ગત તા.9-2-2024થી નવુ ટર્મિનલ ખુલ્લુ મુકાયું હતું. પ્રથમ વર્ષે ચોમાસામાં પાણી ટપકતા રંગોળી સાથે કુંડા મુકી સજાવટ કરી પાણીના ભરાવાને ચાલાકી પૂર્વક છપાવ્યા બાદ આ વર્ષે પણ હાલના સામાન્ય વરસાદમાં ટર્મિનલ એરોસ્પેસ વિભાગમાં પાણી ટપકતા પાણીનો ભરાવો થતા મુસાફરોએ ફોટો-વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કરી વ્યંગ-કટાક્ષ કરી ટર્મિનલ બિલ્ડીંગની અસુવિધાની આબરૂ કાઢી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ટર્મિનલ બિલ્ડીંગમાં વરસાદી પાણીનું લીકેજ થયા અંગેની કોઈ તપાસ નહી થતા મજબુત બાંધકામ સામે પ્રશ્નાર્થ ખડો થયો હતો. ત્યારે સતત બીજા વર્ષે લીકેજની ઘટના `સાંજ સમાચાર સાંધ્ય દૈનિકમાં પ્રકાશીત થતા આખરે છેક દિલ્હીથી લીકેજ અંગેની તપાસના આદેશ છુટતા સ્થાનીક એરપોર્ટ ઓથોરીટી તરફથી હવે કયાં પ્રકારની તપાસ થાય? તે અંગે મુસાફરોની મીટ મંડાઈ છે.
એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગના બાંધકામના ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તો અનેક અધિકારીઓના પગ તળે રેલો આવવાની સંભાવના છે. છાસવારે અસુવિધા બાબતે મુસાફરો ફોટો-વીડિયો રેકોર્ડીંગ સોશ્યલ મીડિયામાં શેર કરી ઈન્ટરનેશનલ એરપોર્ટની સાચી પરિસ્થિતિ રજૂ કરતા હોવા છતા એરપોર્ટ એડવાઈઝરી કમિટી કે જેમાં સાંસદો, કલેકટર, ખુદ એરપોર્ટ ડિરેકટર સહિતના મેમ્બરો સામેલ હોવા છતા તેઓ તરફથી કોઈ કાર્યવાહી નહી થતા મુસાફરોમાં આશ્ચર્ય સર્જાયું છે. સમયાંતરે મળતી એડવાઈઝરી કમિટીમાં માત્ર ચા-નાસ્તાને પ્રાધાન્ય અપાતું હોવાની ચર્ચા જાગી છે. ત્યારે હવે દિલ્હીથી છુટેલા તપાસના આદેશ કેવો રંગ લાવે તે જોવું રહ્યું.

