Jamnagar તા.૧૧ઃ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જામનગર આગમનને લઈને શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિરોધ પક્ષના કેટલાક આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ જામનગર શહેર કોંગ્રેસ સાથે જોડાયેલા વિરેન્દ્રસિંહ(દિગુભા) જાડેજા, યુવા આગેવાન મહિપાલસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા, પ્રમોદસિંહ રાજપૂત સહિતના કેટલાક રાજકીય આગેવાનોને લાલબંગલા વિસ્તાર નજીક રણજીત ટાવર વિસ્તારમાં આવેલી દિગુભા જાડેજાની ઓફિસ ખાતે પોલીસ દ્વારા નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ પ્રદર્શન અથવા અણધારી સ્થિતિ સર્જાય નહીં તે હેતુસર પોલીસે આગોતરા પગલાંરૂપે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આજે સવારે તમામ આગેવાનોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪ ના પૂર્વ કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને પણ તેમના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સમગ્ર શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી.

