બિપીન ઢોલરીયા અને નિતેશ ઢોલરીયા વિરુદ્ધ 145 દલાલો સાથે ઠગાઈ આચરવા મામલે ફરિયાદ નોંધવા તજવીજ
Rajkot,તા,10
રાજકોટ માર્કેટિંગ યાર્ડના 145 કમિશન એજન્ટો પાસે હરરાજી મારફતે રૂ. 17.19 કરોડના જીરાની ખરીદી કરી પૈસા નહિ ચૂકવી ભૂગર્ભમાં ઉતરી જનાર ઢોલરીયા બંધુને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે રાજસ્થાનથી ઝડપી લીધા છે. જે બાદ હવે કમિશન એજન્ટોની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલામાં એક નજર કરવામાં આવે તો જીરાના ભાવમાં આવેલા વેરિએશનના કારણે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં બીપીન ઢોલરિયા અને નિતેશ ઢોલરીયાની માલીકીની જે.કે. ટ્રેડિંગ પેઢી કાચી પડી હતી. યાર્ડના 145 દલાલોના 17.19 કરોડની વધુ રૂપિયા સલવાયા છે. જેના પગલે રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં કમિશન એજન્ટ એસોસિએશનનાં હોદેદારો પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયા હતા. તેમણે પોલીસ કમિશ્નરને મળી લેખિત અને મૌખિક રજુઆત કરતા જણાવ્યું હતું કે, તમામ દલાલો જાહેર હરરાજીમાં માલનું વેચાણ કરે છે. ત્યારબાદ ખરીદનાર ચેકથી પેમેન્ટ કરે છે. આ નિયમથી જ જે કે ટ્રેડિંગ કંપનીનાં માલિકો બિપીનભાઈ ઢોલરીયા અને નિતેશભાઈ ઢોલરીયા દ્વારા જાહેર હરરાજીમાં માલની ખરીદી કરી અને પેમેન્ટ માટે ચેક આપેલ હતા. જે ચેકની રકમ રૂ. 17,19,50,059 ની ઠગાઈ આચરી લીધાનું જણાઈ આવ્યું હતું. જર બાદ પેઢીના બંને માલિકો ફરાર થઇ ગયેલા હતા તેમજ બંનેનાં મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવ્યા હતા. મામલે કાર્યવાહી કરતા ઈઓડબ્લ્યુ શાખાના પીઆઈ કે જે કરપડાની ટીમે બિપિન ઢોલરીયા અને નિતેશ ઢોલરીયાને રાજસ્થાનથી ઝડપી લીધા હતા. બાદમાં બંનેની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
હવે 145 કમિશન એજન્ટો સાથે ઠગાઈ મામલે હવે ઢોલરીયા બંધુ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.