વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલી એર હોસ્ટેસ દર્દી સાથે હોસ્પિટલ સ્ટાફના જ એક સભ્ય દ્વારા યૌન શોષણ
Gurugram, તા.૧૬
ગુરુગ્રામની એક નામાંકિત ખાનગી હોસ્પિટલમાં ICU માં દાખલ ૪૬ વર્ષીય એર હોસ્ટેસનું યૌન શોષણ કરાયાનો ગંભીર આરોપ લાગ્યો છે. પીડિતા વેન્ટિલેટર પર હતી અને તેની તબિયત નાજુક હતી, તે દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને ગુરુગ્રામના સદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે FIR દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
FIRઅનુસાર, ૪૬ વર્ષીય આ મહિલા એક એરલાઈન કંપનીમાં એર હોસ્ટેસ તરીકે કામ કરે છે અને તે ગુરુગ્રામમાં તાલીમ માટે આવી હતી. તે એક હોટેલમાં રોકાઈ હતી. જ્યાં ૫ એપ્રિલે સ્વિમિંગ કરતા સમયે અચાનક તેની તબિયત લથડી હતી. તેને સૌપ્રથમ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બાદમાં ૬ એપ્રિલે તેના પતિએ તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. આ હોસ્પિટલના ૈંઝ્રેંમાં વેન્ટિલેટર પર હોવા દરમિયાન તેનું યૌન શોષણ થયું હોવાનો આરોપ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ પીડિતાના જણાવ્યા અનુસાર, તે ઘટના દરમિયાન અર્ધબેહોશીની સ્થિતિમાં હતી. તેણીએ એ પણ દાવો કર્યો છે કે ઘટના દરમિયાન બે નર્સ પણ હાજર હતી, પરંતુ તેમણે કોઈ પગલાં લીધાં નહીં. ૧૩ એપ્રિલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પીડિતાએ પોતાના પતિને આ ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ તેમણે ફરિયાદ દાખલ કરી હતી.
આ ઘટનાને લઈને હોસ્પિટલ તરફથી એક ઔપચારિક નિવેદન જારી કરવામાં આવ્યું છે. હોસ્પિટલે જણાવ્યું કે, “અમને આ ફરિયાદ વિશે જાણ થઈ છે અને અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. હાલમાં કોઈ આરોપ સાબિત થયો નથી. અમે ઘટનાના સમયના CCTV ફૂટેજ અને અન્ય જરૂરી દસ્તાવેજો પોલીસને સોંપી દીધા છે.”
ગુરુગ્રામ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પીડિતાનું નિવેદન કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું છે. પોલીસ હોસ્પિટલના સ્ટાફની પૂછપરછ કરી રહી છે અને ઘટનાના સમયના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ કરીને તેને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ ઘટનાએ હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા અને સ્ટાફની જવાબદારી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. ઘટનાને પગલે સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને હોસ્પિટલ તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઘણા લોકોએ આરોપી સામે કડક કાર્યવાહી અને હોસ્પિટલની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આ સ્ટોરી ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે તૈયાર કરવામાં આવી છે.