Mumbai,તા.27
જેની કાગડોળે વાટ જોવામાં આવી રહી હતી તે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવતાં ચાહકોમાં નિરાશા ફરી વળી હતી. સાન ડિયેગોમાં કોમિક કોન ખાતે નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડયૂસ કરાયેલા અને નિતેશ તિવારીનાં દિગ્દર્શન હેઠળની આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાનું હતું પણ છેલ્લી ઘડીએ ઇવેન્ટ માંડી વાળવામાં આવી હતી. અને નવી તારીખ પણ જાહેર કરવામાં આવી નથી.
એક ચાહકે નારાજ થઇ જણાવ્યું હતું કે ‘ રામાયણ’ સાથે શું થઇ રહ્યું છે? કલાકો અગાઉ જ ટ્રેલર લોન્ચ કોઇ સ્પષ્ટ કારણ આપ્યા વિના વિલંબિત કરવામાં આવે તેના કારણે ધીરજથી રાહ જોઇ રહેલાં ચાહકો હતાશ થઇ જાય. કોઇપણ ફિલ્મની હાઇપ વિશ્વાસ પર બનતી હોય છે. તેની પરીક્ષા ન લેશો.
ટ્રેલર લોન્ચ મુલતવી રાખવાનું કોઇ સત્તાવાર કારણ જણાવવામાં આવ્યું નથી પણ ટ્રેલરના સીન ઓનલાઇન લીક થયા પછી ફિલ્મ નિર્માતાઓ હવે કોઇ બીજો ચાન્સ લેવા ન માંગતા હોય અને તેમણે બાદમાં ટ્રેલર લોન્ચ કરવાનું નક્કી કર્યું હોઇ શકે છે.
સીતાની ભૂમિકા ભજવતી સાઇ પલ્લવીના ફેનપેજ પર જણાવવામાં આવ્યું હતું કે ગણતરીના લોકોને ટ્રેલર બતાવવામાં આવ્યું અને તેમાંથી અમુક બેજવાબદાર લોકોએ તેને લીક કર્યું. તેના કારણે ધીરજથી રાહ જોઇ રહેલાં સાચાં ચાહકોને રહી ગયાની લાગણી થઇ રહી છે. દરેક સફળ ફિલ્મનું પીઠબળ દર્શકો જ હોય છે.

