Rajkot,તા,10
શહેરના પરાબજારમાં ફ્રૂટની રેંકડી રાખવા બાબતે બે રેંકડીધારકો વચ્ચે બોલાચાલી થયાં બાદ ભગવતીપરામાં રહેતા રમજાન નામના યુવકને અબ્દુલ અને ફારીસ નામના પિતા-પુત્રોએ છરી અને ધારિયું ઝીંકી દઈ લોહીલુહાણ કરી દીધો હતો. મામલામાં એ ડિવિઝન પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
મામલામાં ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર હોલ સામે રહેતા ફ્રૂટના ધંધાર્થી રમજાનભાઈ હનીફભાઈ વોમ(ઉં.વ.૨૫)એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.પરાબજાર ચોકમાં બેંક ઓફ ઇન્ડીયા બેન્કની સામે મારી મોસંબીની ફ્રૂટની રેકડી રાખી વેપાર કરતો હતો. ત્યારે મારી રેકડી પાસે અબ્દુલ હબીબભાઇ કાદર તથા તેમનો દીકરો ફારીસ પોતાની કેરીની રેકડી લઈને આવેલ હતા. ત્યારે અબ્દુલએ મને કહેલ કે તું તારી રેકડી અહીંથી દુર લઈ લે અમારે અમારી કેરીની રેકડી રાખવી છે. જેથી મેં કહેલ કે હું દરરોજ મારી રેકડી બેન્કની સામે જ રાખું છું તમે તમારી રેકડી આગળ બીજી જગ્યાએ રાખી દો તેમ કહેતા અબ્દુલ તથા તેમનો દીકરો ફારીસ બંને મને ગાળો દેવા લાગેલ હતા. બાદના ફારીસે મને ધક્કો મારી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. ત્યારે અબ્દુલ તેની રેકડીમાંથી ધારિયા જેવું લોખંડનું હથિયાર કાઢી મને જમણા હાથમાં બાવળાના ભાગે એક ધા મારેલ હતો. ફારીસે પણ તેની રેકડીમાંથી છરી લઈ એક ધા ડાબા હાથના કાંડાથી ઉપરના ભાગે મારી દીધેલ હતો. બાદમાં દેકારો થતા આજુબાજુના ફ્રુટની રેકડીવાળા આવી જતા બંને પિતા-પુત્રો ત્યાંથી નાસી ગયેલ હતા.
બાદમાં મિત્રએ યુવકને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જે મામલે યુવકે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે અબ્દુલ હબીબ કાદર અને તેના પુત્ર ફારીસ કાદર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.