ભારે વરસાદને કારણે ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ તેમજ જીણજથી પાદરા જતો મુખ્ય માર્ગ પર પાણીનું ઓવરટોપિંગ થયું છે
Anand,તા.૧
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની વધતી આવકને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વિવિધ જળસ્ત્રોતોમાં પાણીની સપાટી વધતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે અને સલામતીના ભાગરૂપે તંત્રે બે મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દીધા છે.
ભારે વરસાદને કારણે ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ તેમજ જીણજથી પાદરા જતો મુખ્ય માર્ગ પર પાણીનું ઓવરટોપિંગ થયું છે. રસ્તાઓ પર પાણીના જોરદાર પ્રવાહને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને આ બંને માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે આસપાસના અનેક ગામોનો સંપર્ક અસરગ્રસ્ત બન્યો છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.
સતત વરસાદ અને પાણીના ભરાવાને કારણે તારાપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અનેક ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સીમ વિસ્તારોમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતીમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો વરસાદ અને પાણીનો પ્રવાહ યથાવત રહેશે તો કૃષિ ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર જેવી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને જ્યાં જરૂરી હોય ત્યાં રાહત તથા સુરક્ષા સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા માર્ગો પર અવરજવર ટાળવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હોવાથી આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જેના કારણે તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

