(નયના દવે દ્વારા)
Jamnagar તા.25
જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે બે અલગ-અલગ સ્થળોએ સફળ કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બે આરોપીઓ સામે ગુના નોંધ્યા છે. પ્રથમ કાર્યવાહીમાં તા. ૨૪.૦૭. ૨૦૨૬ ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે નિકાવા ગામે ખડધોરાજી રોડ ઉપર દરોડો પાડી કમલેશભાઈ જુવાનસિંહ દેવકા (મૂળ વતન સેમલાયા ગામ, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ નિકાવા ગામ)ને ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર ભારતીય બનાવટના ૮૦ સીલબંધ ચપટા, કિંમત રૂપિયા ૧૬૦૦૦, સાથે ઝડપી પાડ્યો હતો.
આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) તથા ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી કાર્યવાહીમાં સીટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફે
તા. ૨૪/૦૭/૨૦૨૬ના રોજ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક તરફ જતા રસ્તે ન્યારા પેટ્રોલપંપ સામે ગોદરશા પીરની દરગાહ પાસે જાહેર રોડ ઉપર દરોડો પાડી ફૈઝલ અનવરભાઈ છનીન (રહે. સેટેલાઇટ સોસાયટી, મોરકંડા રોડ, જામનગર)ને ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂના ૪૮ નંગ સીલબંધ ચપટા, કિંમત રૂપિયા ૩,૮૪૦, સાથે ઝડપી પાડ્યો હતો.
આ અંગે સીટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) તથા ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને કાર્યવાહી દરમિયાન કુલ ૧૨૮ ચપટા વિદેશી દારૂ તથા અંદાજિત ૧૯,૮૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બંને ગુનાઓમાં વધુ તપાસ શરૂ કરી છે.

