એક જ દિવસમાં 12,00,000 જેવી માતબર કમાણી કર્યા બાદ ‘આનંદ ભાવનગરી’નો કોન્ફીડન્સ આસમાનની ઊંચાઈએ હતો, તેથી તેને નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા અને પોતાના ફોન નંબરને વાસ્તવિક બતાવવા તેમજ કોઈ પણ નંબર ટ્રેસ ન કરી શકે તે માટે નવા બ્લેડ સર્વરની ખરીદી કરી હતી. અને લગભગ ત્રણેક દિવસમાં તો બ્લેડ સર્વર આવી તેનું ઇન્સ્ટોલેશન અને ડેમોસ્ટ્રેશન પણ પતી ગયું.
“જુઓ હવે તમને કોઈનો બાપ પણ પકડી શકશે નહીં”
અતિ ઉત્સાહમાં આનંદ ભાવનાગરી પોતાના ફ્રોડ કોલ સેન્ટરમાં પોતાના કર્મચારીઓ પાસે શેખી મારી રહ્યો હતો.
પાછલા છ મહિનાથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ચાર બેડરૂમના આલિશાન ફ્લેટમાં શરૂ કરેલ ફ્રોડ કોલ સેન્ટરમાં ધીમે ધીમે કર્મચારીઓની સંખ્યા અને ફ્રોડ કોલ સેન્ટરના માલિક આનંદ ભાવનગરીની આવક બન્ને વધી રહ્યા હતા.
માત્ર 12 ધોરણ સુધી ભણેલ આનંદ ક્યારેય કોલેજ ગયો ન હતો. સરકારી નોકરી કરતા પિતા અને કર્મકાંડી પરિવારમાં ભાવનગર જેવા શહેરમાં જન્મેલ આનંદ નાનપણથી જ મોટા સપના જોવાની અને તે સપના શોર્ટકટ થી સફળ કરવાની આદત ધરાવતો હતો. નાનપણમાં સ્કૂલમાંથી મોંઘી પેન્સિલ અને ફેન્સી કંપાસ લેવા ન પોસાય તો ચોરી લેવાની આદત ધરાવતા આનંદને પિતાની ઓળખાણ અને પોતાના વાક્ચાતુર્યથી ભાવનગરની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ટેલીફોન ઓપરેટરની નોકરી મળી ગઈ હતી. પરંતુ, શોર્ટકટમાં સફળ થવાના સપના જોતો આનંદ એ નોકરીમાં જાજુ ટક્યો નહીં. ત્યાર પછી નજીકના મિત્રો સાથે મળીને પોતે ‘ફીનાઇલ’ બનાવવાનું કામ શરૂ કર્યું. શરૂઆતના તબક્કામાં ભાવનગર અને તેની આજુબાજુના વિસ્તારની હાઇવે હોટલો તેમજ ફેક્ટરીઓમાં ફીનાઇલ અને એસિડ સપ્લાય કરવાનું કામ શરૂ કર્યું. તે સમયે મજાકિયા મિત્રો અને રૂઢિચુસ્ત સંબંધીઓ તેને ‘ફીનાઇલનો ફેરિયો’ કહી ચિડવતા. નસીબે યારી આપી અને ધંધો સારો ચાલ્યો ધીમે ધીમે ભાવનગર થી લઇ સુરત સુધીની ઘણી બધી હાઇવે હોટલોમાં ફીનાઇલની સાથે એસિડ, વાસણો ધોવાનું લિક્વિડ અને અન્ય કેમિકલ પણ સપ્લાય કરતો થઈ ગયો. તે સમયમાં હીરાના કારોબારને લીધે ભાવનગર અને સુરત વચ્ચે પ્રવાસીઓનો ઘસારો ખૂબ જ રહેતો. તેમજ, ભાવનગરના ઘણાખરા મૂળ રહીશો સુરત રહેતા હોય તેમની મદદથી અને ઓળખાણથી સુરતની ફેક્ટરીઓમાં પણ આનંદ માલ સપ્લાય કરવા લાગ્યો. પરંતુ, શોર્ટકટ જેના મગજમાં હોય, મહેનત જેને ફાવતી ન હોય, તેણે આ જામેલા ધંધામાં પણ પોતાના ભાગીદારો સાથે દગો કર્યો. પરિણામ સ્વરૂપ રાતોરાત ભાવનગર છોડી ભાગી જવાની નોબત આવી. ભાવનગર થી ભાગેલો, આનંદ અમદાવાદ પહોંચ્યો, પ્રારંભિક તબક્કે અમદાવાદમાં સ્થાયી થયેલા અને એકલા રહેતા મિત્ર યોગેશના ઘેર આશરો લીધો અને તે જ મિત્રની મદદથી ગુલબાઈ ટેકરા, આંબાવાડી વિસ્તારમાં આવેલ એક કોલ સેન્ટરમાં તેને નોકરી પણ મળી ગઈ. નાઈટ શિફ્ટની નોકરી અને પાંચ આંકડા નો પગાર ધીમે ધીમે લાઈફ સેટ થવા માંડી. સાત મહિના જેવો સમય નોકરીમાં વીતી ગયો. પરંતુ, જેને સફળતાની સીડી શોર્ટકટથી ચડવી હોય તે વ્યક્તિના જીવનમાં નિરાંત ક્યાંથી? આનંદ જે કોલ સેન્ટરમાં કામ કરતો તે કોલ સેન્ટર તેના ગ્રાહક (અમેરિકન બેન્ક) વતી ખાતાધારકોના બાકી લોનના હપ્તા અને વ્યાજની ચુકવણી માટે કાર્ય કરતી હતી. તે બેંકના મોટાભાગના ગ્રાહકો બિન નિવાસી (NRI) ભારતીયો હતા જેથી બેંકે ભાષાની સુવિધાને ધ્યાનમાં લેતા કોલ સેન્ટરનું આઉટસોર્સિંગ ભારતમાં કર્યું હતું. અલબત્ત અમેરિકન કોલ સેન્ટરોની તુલનામાં ભારતીય કોલસેન્ટર્સ વધુ સસ્તા પણ હતા.
એક દિવસ અજાણતામાં જ એવી ઘટના બની કે આનંદને દોડવું હતું અને ઢાળ મળી ગયો. આનંદે કોઈ એક ખાતાધારકની બાકી રકમની ઉઘરાણી ભૂલથી તે જ બેંકના કોઈ બીજા ખાતાધારક પાસે કરી અને તે ખાતાધારકે ગભરાટમાં તે રકમની ચુકવણી કરી પણ દીધી, જે ખરેખર તેણે ચૂકવવાના ન હતા. ખેર, એ દિવસે તો કંપનીના ધ્યાનમાં એ ભૂલ આવી ગઈ અને ભૂલથી ચૂકવાયેલ રકમ ખાતાધારકને પરત પણ મળી ગઈ. પરંતુ, આનંદના ક્રિમિનલ માઈન્ડમાં જોરદાર જબકારો થઈ ચૂક્યો હતો. તેને સુપેરે સમજાઈ ગયું હતું કે, જો બિનજરૂરી ગભરાટ ફેલાવવામાં આવે અને બેંકના ખાતા કે ખાતાધારકો વિશેની સચોટ માહિતી હોય તો કોઈ પણ ગ્રાહક કોઈપણ રકમ અન્ય ખાતામાં પણ ચૂકવી શકે; બસ ખેલ ખતમ. એ આખી રાત આનંદ ઊંઘી શક્યો નહીં અને એનું ક્રિમિનલ માઈન્ડ સતત વિચારોના જાળા ગુથતું રહ્યું, બીજા દિવસે રોજની જેમ સવાર તો પડી પણ, ઉદય થયો ‘ચાર્લ્સ પોન્જી’ના ભારતીય અવતાર ‘આનંદ ભાવનાગરી’નો અને તેણે ડગલા માંડવાનું શરૂ કર્યું. નવા જ પ્રકારની આર્થિક ગુનાખોરીનું સામ્રાજ્ય રચવા તરફ.
‘ગઈકાલનો ફીનાઇલનો ફેરિયો, બનવા જઈ રહ્યો હતો, આવતીકાલનો ફોરેન બેંકોનો ફ્રોડ એજન્ટ’
આનંદ ભાવનાગરીની દુરંદેશી સારી હતી તેથી પોતાના ગુનાના સામ્રાજ્યનો વિસ્તાર અને સંપર્કો વધારવા તેણે પોતાની અમેરિકા અને ઇંગ્લેન્ડની એક ટુરનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.
પોતાની પંદર દિવસની અમેરિકા અને ઇંગ્લેન્ડની ટૂરમાંથી પરત ફરેલા આનંદ ભાવનગરીએ આજે તેના હાથ નીચે કામ કરતાં 15 યુવક અને યુવતીઓની મીટીંગ બોલાવી હતી. પોતાના (ભાડાના) ચાર બેડરૂમના આલીશાન ફ્લેટના એક રૂમમાં મીટીંગ રૂમ બનાવેલો હતો. ઓવલ શેપ ટેબલ અને હેંગિંગ લાઇટ વાળા ફર્નિચરને લીધે આનંદ ભાવનગરીના ફ્રોડ કોલ સેન્ટરનો મીટીંગ રૂમ કોઈ મોટી કોર્પોરેટ કંપનીના મીટીંગ રૂમ જેવો ભવ્ય લાગતો હતો.
“આપણે જે આ નવું સર્વર લીધું છે તેનાથી આપણે કોલર આઇ.ડી. સ્પૂફિંગ કરી શકીશું, કોઈને સમજાયું હું શું કહેવા માગું છું તે?”
તેને પોતાને ખાતરી હતી કે કોઈને નહીં સમજાયું હોય કેમ કે, કોલર આઇ.ડી. સ્પૂફિંગ શબ્દ આનંદ ભાવનાગરીએ પણ ત્રણ દિવસ પહેલા જ સાંભળ્યો હતો. પરંતુ પોતે ટેકનોલોજી નો મોટો જાણકાર છે તેવું જ્ઞાન પ્રદર્શિત કરવા તે પોતાના સ્ટાફને ભેગા કરી અને સમજાવટ આપી રહ્યો હતો.
આનંદ ભાવનગરીની એક ખાસિયત હતી, તેની વાક્છટા. એ કોઈપણ મોટામાં મોટી ખોટી વાત પણ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સાચી તરીકે રજૂ કરી શકતો.
સ્ટાઇલિશ કપડા, બ્રાન્ડેડ શૂઝ, એક હાથમાં મોંઘી ઘડિયાળ અને બીજા હાથમાં ચમકતા સોનાના ભારે ભરખમ બ્રેસલેટ, આંખો પર ઉડીને આંખે વળગે એવા અતિ મોંઘા રિમલેસ વ્હાઈટ ગ્લાસીસ સાથે જ્યારે પણ તે ક્યાંય જતો કે પોતાની વાતની રજૂઆત કરતો ત્યારે સામે વાળાને આંજી દેવા માટે આટલું પૂરતું હતું.
“હવે જ્યારે તમે અહીં અમદાવાદમાં બેઠા-બેઠા કોઈ પણ દેશમાં કોલ કરશો તો, કોલ રીસીવ કરનારને તેમની સ્ક્રીન ઉપર તેમના પોતાના દેશનો જ કોઈ એક મોબાઇલ નંબર દેખાશે તેમજ તમે જે દેશમાં કોલ લગાડ્યો છે, તે દેશમાં બોલાતી ભાષાના ‘એક્સેન્ટનો’ જો તમે પ્રોપર ઉચ્ચાર કરશો તો, ભગવાન માટે પણ શક્ય નથી કે તમને ઓળખી શકે” ભાવનગરીએ પોતાની વાત આગળ ચલાવી.
છેતરપિંડી માટે સંભવિત લોકો અથવા ટાર્ગેટ કે જેને આનંદ ભાવનાગરી ‘શિકાર’ તરીકે ઓળખાવતો એવા ‘સંભવિત શિકાર” માટે મુખ્યત્વે આ ટોળકી ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા અંગ્રેજી બોલતા દેશને જ પસંદ કરતા, જેના મુખ્યત્વે બે કારણો હતા એક કે બન્ને દેશોમાં અંગ્રેજી ભાષાનો વપરાશ થતો અને ભારતમાં ઇંગ્લેન્ડ કે અમેરિકન એક્સેન્ટમાં અંગ્રેજી બોલી જાણનાર લોકો મળી રહેવા સહેલા હતા. બીજું બન્ને દેશના લોકો ધનાઢય અને પ્રમાણમાં ગભરુ હતા. જેથી તેમને છેતરવા કે તેમને શિકાર બનાવવા આ મહાઠગ આનંદ ભાવનગરી માટે સાવ સરળ હતું.
પોતાની વાત આગળ ચલાવતા આનંદ ભાવનગરીએ પોતાના કર્મચારીઓને જણાવ્યું કે, “મિત્રો હવે તમે ટેકનોલોજીમાં બીજા કરતા એક ડગલું આગળ છો, તો હવે આપણે આપણી કામ કરવાની પદ્ધતિમાં પણ બીજા કરતા એક ડગલું આગળ વધીએ. અત્યાર સુધી માત્ર આપણે બેંકની લોનના બાકી વ્યાજની ઉઘરાણી માટે લોકોને ડરાવતા અને નાણા પડાવતા, હવે ખાલી બાકી વ્યાજ પૂરતા મર્યાદિત ન રહી અને આપણે, IRS (સામાજિક સુરક્ષા), SSA (આંતરિક મહેસુલ), SSN (સોશિયલ સિક્યુરિટી નંબર), લોન અને સરકારી યોજનાઓની ગ્રાન્ટ, વીમા ચુકવણી, પ્રોસેસિંગ ફી, good faith ડિપોઝિટ વગેરે જેવા નવા નવા પ્રકારના ફાઇનાન્સિયલ પ્રોડક્ટના નામે તેની બાકી રહેતી રકમની ઉઘરાણી માટે અથવા નવી રકમ મેળવવા ઈચ્છુક ગ્રાહકો પાસેથી નાંણા પડાવીશું. આપણે હવે એક સામાન્ય કોલ સેન્ટર નથી પણ એક બી.પી.ઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ) છીએ અને આગામી દિવસોમાં આપણે 100 જેટલા નવા તરવરીયા અંગ્રેજી બોલી શકનાર યુવક યુવતીઓની ભરતી પણ કરીશું. આપણે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ડેટા વેચતા, ડેટા બ્રોકરો પાસેથી ડેટા હાર્વેસ્ટિંગ કરીશું અને આપણું કાર્યક્ષેત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવીશું.”
માહિતી આપતા સમયે આનંદની આંખો, અવાજ અને તેની બોડી લેંગ્વેજમાં ગજબનો આત્મવિશ્વાસ છલકી રહ્યો હતો અને બાકીના કર્મચારીઓ મંત્રમુગ્ધ થઈ તેમની વાતમાં દોરવાઈ રહ્યા હતા અને સપનામાંને સપનામાં પોતે પણ લાખોપતિ બની રહ્યા હતા. તો વળી કેટલા કર્મચારીઓ તો, ભવિષ્યમાં પોતાનું પણ આવું એક કોલ સેન્ટર હશે તેવા સપનામાં રાચી રહ્યા હતા.
પરંતુ વિધિને કંઈક બીજું જ મંજુર હતું. આનંદ ભાવનગરી અને તેના 15 કર્મચારીઓને ક્યાં ખબર હતી કે બીજા છેડે સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ચેમ્બરમાં જાબાજ પોલીસ અધિકારી જાડેજાના કાન સુધી આનંદ ભાવનગરીનું નામ પહોંચી ચૂક્યું હતું અને હવે જાડેજા સાહેબને, બસ આનંદ ભાવનગરીના કામની ઓળખ કરવાની બાકી રહી હતી
Kalpesh Desai
(વધુ આવતા મંગળવારે)