Gondal તા.16
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી એક વર્ષ માટે સોનાની નવી ખરીદી ન કરવાના આહવાન બાદ ગોંડલના જ્વેલરી બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ વેપારીઓ રાષ્ટ્રહિતને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ આ ક્ષેત્ર સાથે જોડાયેલા કરોડો કારીગરોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર પણ સતાવી રહ્યો છે.
યમુના જ્વેલ્સના ગોપાલભાઈ સિમેજીયાના જણાવ્યા અનુસાર, જ્વેલરી ઉદ્યોગ સાથે દેશના અંદાજે 6 થી 7 કરોડ લોકો જોડાયેલા છે. હાલમાં બજાર 50% મંદીનો સામનો કરી રહ્યું છે, ત્યારે નવી ખરીદી અટકવાથી આર્થિક પાયમાલી સર્જાવાની ભીતિ છે. વેપારીઓએ સરકારને આ અંગે મધ્યમ માર્ગ કાઢવા વિનંતી કરી છે.
આ સ્થિતિમાં ગોંડલ ગોલ્ડ ડીલર એસોસિએશને નાગરિકોને વચલો માર્ગ સૂચવતા અપીલ કરી છે કે, લગ્ન કે અન્ય પ્રસંગોમાં નવું સોનું ખરીદવાને બદલે ઘરમાં પડેલા જૂના અથવા બિનઉપયોગી દાગીનાને રિ-યુઝ ફરી ઉપયોગ કરી નવી ડિઝાઈન બનાવડાવવી જોઈએ.
નવું સોનું ન ખરીદવાથી દેશની આયાત ઘટશે, જે રાષ્ટ્રહિતમાં છે. ગ્રાહકોને જૂના સોનાના બદલામાં નવી ફેશનના દાગીના ઓછા ખર્ચે મળશે. રિ-યુઝના કારણે સ્થાનિક કારીગરોને સતત કામ મળતું રહેશે.
આમ, ગોંડલના ઝવેરી બજારે દેશહિત અને વેપાર વચ્ચે સંતુલન જાળવવા ‘જૂનું આપો, નવું લો’ની નીતિ પર ભાર મૂક્યો છે.

