Rajkot,તા.૧૨
રાજકોટમાં વ્યાજખોરની હવસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ લાખ રૂપિયા ઊંચા વ્યાજે આપવાના બહાને પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવ્યાનો આરોપ છે. આરોપી હુસેન ગોપલાણીએ ૧૪ ટકા વ્યાજે રૂપિયા આપવાની વાત કરી પરિણીતાને સંબંધ રાખવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ આરોપીએ પરિણીતાની મરજી વિરુદ્ધ બે વખત શારીરિક સંબંધ બાંધ્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદના આધારે થોરાળા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી હુસેન ગોપલાણીને ઝડપી લીધો છે.
રાજકોટમાં વ્યાજના પૈસાની આડમાં પરિણીતાનું શોષણ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ૩૮ વર્ષીય પરિણીતાએ હુસેન ગોપલાણી નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મહિલાના પતિએ ઘરનું રીપેરીંગ કામ કરાવવા માટે હુસેન પાસેથી ૧૪ ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા.આક્ષેપ છે કે, રૂપિયા આપવાના બદલામાં હુસેને પરિણીતાની સામે અયોગ્ય શરત મૂકી હતી અને તેની સાથે પત્ની જેવો સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે, તેની આર્થિક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી આરોપીએ અલગ-અલગ સમયે તેના ઘરે બે વખત બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.
તેમજ સમગ્ર બનાવ અંગે કોઈને જાણ કરશે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, હિંમત કરીને પરિણીતાએ સમગ્ર હકીકત પોતાના પતિને જણાવી હતી. ત્યારબાદ પતિ હુસેનને ઠપકો આપવા પહોંચ્યો હતો. આ સમયે આરોપીએ કથિત રીતે પતિને ગાળો આપી પટ્ટા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયેલા સમયગાળા મુજબ ૧ એપ્રિલ ૨૦૨૬થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
પરિણીતાની ફરિયાદના આધારે થોરાળા પોલીસે આરોપી હુસેન ગોપલાણી સામે બીએનએસની કલમ ૬૪(૧), ૬૪(૨)(સ્), ૧૧૫(૨), ૩૫૨ અને ૩૫૧(૧) સહિત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર મહિલા ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. જ્યારે આરોપી હુસેન ગોપલાણી રિક્ષા ચલાવી રોજગારી મેળવે છે. બંને વચ્ચે છેલ્લા દોઢથી બે વર્ષથી પરિચય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આરોપી છેલ્લા આશરે દોઢ વર્ષથી મહિલાને ઘરેથી તેના કામના સ્થળે લઈ જતો અને કામ પૂર્ણ થયા બાદ પરત ઘરે મૂકતો હતો. આ દરમિયાન બંને વચ્ચે સતત સંપર્ક રહેતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદ નોંધાતાં જ થોરાળા પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી હુસેન ગોપલાણીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. સાથે જ કેસને મજબૂત બનાવવા જરૂરી સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

