Surat,તા.૧૨
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. અગાઉ ડિમોલિશનની કામગીરી અને ત્યારબાદ બેઘર થયેલા લોકોના પુનર્વસનના મુદ્દે હાઇકોર્ટે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન હવે રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકા કમિશનર નાગરાજનને તેમના પદ પરથી દૂર કર્યા હોવાની જાણ હાઇકોર્ટને કરવામાં આવી છે.
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઇકોર્ટ સમક્ષ સરકારનું સત્તાવાર નોટિફિકેશન રજૂ કર્યું હતું. આ નોટિફિકેશનમાં નાગરાજનને સુરત મહાનગરપાલિકા કમિશનરના પદ પરથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી હોવાનું કોર્ટને જણાવાયું હતું. નાસિરનગર ડિમોલિશન મામલે અગાઉની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને ડિમોલિશન બાદ બેઘર બનેલા લોકોના પુનર્વસન, તેમને આવાસ ફાળવવાની પ્રક્રિયા અને તેનો ખર્ચ કોણ ભોગવશે તે મુદ્દે કોર્ટે રાજ્ય સરકાર અને સુરત મનપાને સખત ટકોર કરી હતી.
હાઇકોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, જો અધિકારીઓની કામગીરીના કારણે લોકો બેઘર થયા હોય તો તેનો ખર્ચ સામાન્ય લોકો પાસેથી કેમ વસૂલવો જોઈએ? જવાબદાર અધિકારીઓ પાસેથી ખર્ચ વસૂલવાની દિશામાં શું કાર્યવાહી થઈ રહી છે તે અંગે પણ કોર્ટે ગંભીરતા દર્શાવી હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકા કમિશનર નાગરાજનને દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર તરફથી કોર્ટને આ નિર્ણય અંગે જાણ કરી અને સંબંધિત નોટિફિકેશન પણ સોંપ્યું હતું.
હવે સમગ્ર મામલે હાઇકોર્ટ આગળ શું નિર્દેશ આપે છે અને નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન તથા જવાબદાર અધિકારીઓ સામેની કાર્યવાહી અંગે રાજ્ય સરકાર અને મનપા તરફથી શું પગલાં લેવાય છે તેના પર નજર રહેશે. સાથે જ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે વધુ સુનાવણી માટે ૧૮ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. હવે આગામી સુનાવણીમાં રાજ્ય સરકારના નિર્ણય અને નાસિરનગરના અસરગ્રસ્ત લોકોના પુનર્વસન અંગે વધુ મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.

