Chhatarpur,તા.26
હિન્દુ એકતા પદયાત્રા દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર મોબાઈલ ફોનથી હુમલો થયો છે. આ ઘટના આજે યુપીનાં મૌરાનીપુર પાસે બની હતી. ટોળામાંથી કોઈએ ફૂલોની સાથે મોબાઈલ ફોન પણ ફેંકીને માર્યો હતો, જેનાં કારણે તેમનાં કાન પાસે ઈજા થઈ હતી.
શાસ્ત્રીએ કહ્યું કે તેમને મોબાઈલ મળી ગયો છે. તેમણે આ ઘટના બાદ દેશમાં વધી રહેલાં સાંપ્રદાયિક તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, જો આવી એકતા માર્ચ નહીં કાઢવામાં આવે તો દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી શકે છે.
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ’સનાતન હિંદુ એકતા’ પદયાત્રામાં છે. આ યાત્રા ઝાંસીના મૌરાનીપુરથી શરૂ થઈ હતી. સવારે 9 વાગે રાષ્ટ્રગીત, હનુમાન ચાલીસા અને મંત્રોના ઉચ્ચારણ સાથે યાત્રાની શરૂઆત થઈ, ત્યારે અચાનક રામવન હોટલ પાસે ભીડમાંથી કોઈએ શાસ્ત્રી તરફ ફૂલો સાથેનો મોબાઈલ ફોન ફેંક્યો હતો.
ફોન સીધો તેનાં કાન પર અથડાયો, જેનાં કારણે ઈજા થઈ હતી. આ ઘટના બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો આવી એકતા માર્ચ નહીં કાઢવામાં આવે તો દેશ ગૃહયુદ્ધમાં ફસાઈ શકે છે. તેમણે કહ્યું કે દેશને ગૃહયુદ્ધથી બચાવવો ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રીએ જાતિવાદ, અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી.
તેમણે કહ્યું કે, આ વસ્તુઓ દેશને અંદરથી ખોખલો કરી રહી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ ભેદભાવ ખતમ નહીં થાય અને યુવાનોના હાથમાં પેન નહીં આવે ત્યાં સુધી દેશ પ્રગતિ કરી શકશે નહીં.ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલાની માહિતી સોશિયલ મીડિયા પર ફેલાયાં બાદ ઝાંસી પોલીસે એક ટ્વિટ અને મેસેજ જારી કર્યો.
જેમાં કહેવામાં આવ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો થયો નથી. ફૂલ વર્ષા દરમિયાન મોબાઇલ સાથે આવી ગયો હતો. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાદમાં લોકોને જણાવ્યું કે કોઈ ભક્તનો મોબાઈલ ફોન લાગી ગયો હતો. કોઈ પણ પ્રકારનું ષડયંત્ર નથી. આ એક આધ્યાત્મિક યાત્રા છે, અહીં બધું બરાબર છે. બંને રાજ્યોની પોલીસ સારી કામગીરી કરી રહી છે.

