Washington, તા. 6
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપન જોઈ રહેલાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યાં છે. ‘સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ’ (CIS)ના તાજેતરનાં અહેવાલ મુજબ, અમેરિકન પ્રશાસન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને અપાતાં F-1 સ્ટુડન્ટ વિઝામાં 62 ટકા સુધીનો તીવ્ર ઘટાડો નોંધાયો છે.
વર્ષ 2024ના મે થી ઓગસ્ટ વચ્ચે 58,694 ભારતીયોને F-1 વિઝા મળ્યા હતા, જે વર્ષ 2025ના સમાન સમયગાળામાં ઘટીને માત્ર 22,149 રહી ગયા છે. તેવી જ રીતે ચીની વિદ્યાર્થીઓના વિઝામાં પણ 34 ટકાનો ઘટાડો થયો છે.
નોંધનીય છે કે, યુએસ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં 11.77 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારત (3.63 લાખ) અને ચીન (2.65 લાખ)નો હિસ્સો 53 ટકા જેટલો મોટો છે.
બીજી તરફ, યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (USCIS) એ વિઝા, ગ્રીન કાર્ડ અને નાગરિકતાની અરજીઓ માટેના નિયમો અત્યંત કડક બનાવ્યાં છે.
નવા નિયમ અનુસાર, જો કોઈ અરજદાર પોતાની અરજી વખતે જરૂરી પ્રારંભિક પુરાવા કે દસ્તાવેજો જોડવામાં નિષ્ફળ જશે, તો ઈમિગ્રેશન અધિકારીઓ તે અરજીને સુધારવાની તક આપ્યાં વિના સીધી જ રદ કરી શકશે.
હવે અધિકારીઓ માટે અરજી ના મંજૂર કરતાં પહેલાં `રિક્વેસ્ટ ફોર એવિડન્સ’ (RFE) કે `નોટિસ ઓફ ઈન્ટેન્ટ ટુ ડિનાય’ (NOID) મોકલવું કે વધારાનાં પુરાવા માંગવું ફરજિયાત રહેશે નહીં.
USCIS એ સ્પષ્ટ કર્યું છે કે, અરજી કરતી વખતે જ પોતાની પાત્રતા સિદ્ધ કરવાની જવાબદારી સંપૂર્ણપણે અરજદારની જ રહેશે. અગાઉની બાઇડેન પ્રશાસન નીતિ હેઠળ અધિકારીઓને અરજી રદ કરતાં પહેલાં વધારાનાં પુરાવા માંગવા (RFE) પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.
પરંતુ સંસ્થાના જણાવ્યાં અનુસાર, આ જૂની નીતિને કારણે ઘણા લોકો માત્ર સમય મેળવવા માટે અધૂરી કે “પ્લેસહોલ્ડર” અરજીઓ કરી દેતા હતા, જેનાથી અન્ય સાચા કેસ પ્રોસેસ થવામાં વાર લાગતી હતી અને બેકલોગ વધતો હતો. આથી સિસ્ટમની પારદર્શિતા અને ઝડપ વધારવા માટે જૂની નીતિ બદલીને અધિકારીઓને સીધી જ અરજી નકારવાની ડિસ્ક્રિશનરી સત્તા ફરી આપી દેવાઈ છે.
આ બેવડા પ્રહારથી હવે અમેરિકા ભણવા, નોકરી કરવા કે ત્યાં સ્થાયી થવા માંગતા ભારતીયો પર દબાણ ઘણું વધી ગયું છે. F-1 સ્ટુડન્ટ વિઝા મેળવવામાં આવી રહેલી મુશ્કેલીઓ વચ્ચે હવે ઈમિગ્રેશન, વર્ક વિઝા કે ગ્રીન કાર્ડની અરજી કરતી વખતે એક નાની ભૂલ કે દસ્તાવેજ ખૂટવાની સ્થિતિ પણ ભારે પડી શકે છે.
અરજદારોએ હવે પ્રથમ પ્રયાસે જ પૂરેપૂરી ચોકસાઈ સાથે અને તમામ પુરાવાઓ સાથે જ અરજી સબમિટ કરવી પડશે, નહીંતર સુધારાની કોઈ બીજી તક મળ્યાં વગર જ અરજી રદ થઈ જશે.

